સરકાર ગોવર્ધન પર્વત વેચી નાખે તો નવાઈ નહીં: પ્રિયંકા

0
18
Share
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાયર અને અહંકારી ગણાવી કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી આકરા પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. ૨૩

ખેડૂત આંદોલનના મુદ્દે રાજનીતિ પણ પૂરજોશમાં ચાલી રહી છે.કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીમાં એક પછી એક ખેડૂત મહાપંચાયતને સંબોધન કરી રહ્યા છે. આજે મથુરામાં તેમણે એક મહાપંચાયતને સંબોધન કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.તેમણે કહ્યુ હતુકે, પીએમ મોદી માત્ર કાયર જ નથી પણ અહંકારી પણ છે.આ પહેલાની સરકારોએ કોઈ વિકાસ ના કર્યો હોય તેવો દાવો પીએમ કરે છે , તો તેઓ અત્યારે જે સંપત્તિઓ વેચી રહ્યા છે તે શું છે…હાલની સરકારે માત્ર નોટબંધી અને જીએસટી જ અમલમાં મુકી છે અને તે બંનેથી લોકો પરેશાન છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી નવા કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહશે અને અમારી સત્તા આવશે એટલે આ કાયદા રદ કરી દેવાશે.

તેમણે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, મોદી સરકાર એલઆઈસી સહિતની સરકારી કંપનીઓ અને સંપત્તિઓ વેચી રહી છે.અહીંનો ગોવર્ધન પર્વત સાચવવો પડશે નહીંતર સરકાર કાલે ઉઠીને તે પણ વેચી દે તો નવાઈ નહીં.પીએમ મોદીને ખેડૂતો સાથે શું દુશ્મની છે તે ખબર નથી પડતી.પીએમ મોદી સંસદમાં પણ ખેડૂતોનુ અપમાન કરે છે.તેમના મંત્રી ખેડૂતોને આતંકવાદી કહે છે.મથુરાની ધરતી અભિમાનનો ભુક્કો કરવા જાણીતી છે.ભાજપ સરકાર પણ અહંકારથી ભરેલી છે.૯૦ દિવસથી ખેડૂતો દિલ્હીની સીમા પર લડાઈ લડી રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણે જઈ આવેલા પીએમ મોદીને ખેડૂતો પાસે જવા માટે સમય નથી.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, આ સરકારનો અહંકાર કૃષ્ણ ભગવાન તોડશે.પીએમ મોદીએ પોતાના માટે બે વિમાનો ખરીદયા છે પણ ખેડૂતોની બાકી રકમ ચુકવી નથી.તેનાથી જ સરકારની દાનત ખબર પડે છે.સરકારના નવા કાયદાથી ખેડૂતોને લાભ નથી થવાનો પણ ધનિકોને સંઘરાકોરીની છુટ મળી જશે.આ કાયદો ખેડૂતો માટે નહીં પણ નોટોની ખેતી કરનારાઓ માટે બનાવાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here