સરકારી સ્માર્ટ સ્કૂલમાં ખગોળીય ઘટનાઓથી વાકેફ કરાવતું અદ્ભૂત પ્લેનેટોરિયમ બનાવાયુ

0
19
Share
Share

અમદાવાદ,તા.૧૨
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા પ્રાઇવેટ સ્કૂલમાં પણ ના હોય તેવી સુવિધાવાળી સ્કૂલ તો બનાવી જ છે પરંતુ ગુજરાતની એક પણ શાળામાં નહી હોય તેવી ખગોળીય ઘટનાઓથી વાકેફ કરાવતું પ્લેનેટોરિયમ સૌ પ્રથમવાર સરકારી સ્માર્ટ સ્કૂલમાં તૈયાર થયું છે. જેને નિહાળીને સૌ કોઈ દંગ રહી જશે. નાના બાળકો અત્યાર સુધી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી જેવા ગ્રહોની જાણકારી માત્ર પુસ્તકના ચિત્રોમાંથી મેળવતા હતા. પરંતુ કોર્પોરેશન ની સ્માર્ટસ્કુલમાં બનાવાયેલા પ્લેનેટોરિયમમાં બાળકો ગ્રહોની માહિતી જ નહીં ખગોળીય ઘટનાઓ ઓડિયો વિઝ્યુલના માધ્યમથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેનો અનુભવ ન્યુઝ૧૮ગુજરાતીની ટીમે પણ કર્યો છે. કોર્પોરેશન સંચાલિત શાળામાં આ મોટામાં મોટી ખાસિયત અહીંનું પ્લેનેટોરિયમ છે.
શાળાના કેમ્પસમાં જ એક અર્ધગોળાકાર સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ખગોળીય અને અવકાશી ઘટનાનો અનુભવી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. થ્રી-ડી પ્રોજેક્ટરની મદદથી આ પ્લેનેટોરિયમમાં વિદ્યાર્થીઓ ૩૬૦ ડિગ્રી ડિસ્પ્લે પર તારાઓ ગ્રહો ,ઉલ્કા, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે જેવી બાબતોની માહિતી દ્રશ્ય અને શ્રવણની મદદથી મેળવી શકે છે. જે એકદમ નાના બાળકોની સાથે મોટાઓને પણ રોમાંચિત કરી દે છે. અત્યાર સુધી ગુજરાતમાં એકપણ શાળામાં તે પછી ખાનગી હોય કે સરકારી આવું પ્લેનેટોરિયમ બન્યું નથી. અમદાવાદની આ સરકારી શાળામાં આ પ્લેનેટોરિયમ સૌપ્રથમ વાર તૈયાર થયું છે.
એએમસી સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, હાલ અમદાવાદની ચાર શાળામાં પ્લેનિટોરિયમ બની ગયા છે. જેમાંનું ઇન્દ્રપુરી વોર્ડની સ્કૂલમાં શરૂ થઈ ગયું છે. શહેરમાં ૯ સ્માર્ટ સ્કૂલમાં આ પ્રકારે પ્લેનિટોરિયમ બનશે. આ પ્લેનિટોરિયમ પાછળ અંદાજે ૭૫ લાખનો ખર્ચ કરાયો છે. બીજીતરફ વાલીઓ પણ આ પ્લેનિટોરિયમ સહિતની અત્યાધુનિક સુવિધાઓથી અભિભૂત થઈ ગયા છે. વાલીઓનું કહેવું છે કે ખાનગી શાળામાં મસમોટી ફી વસુલી ને પણ આ પ્રકારનું પ્લેનિટોરિયમ જોવા મળતું નથી. મહત્વનું છે કે, બાળકોમાં નાનપણથી જ પુસ્તકના જ્ઞાન સાથે પ્રેક્ટિકલ નોલેજ આપવાની વ્યવસ્થાએ સ્કૂલ બોર્ડના અધિકારી ઓની મહેનતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here