શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧માં નિરાંતે ફી ભરી શકશે વાલીઓ

0
20
Share
Share

ફી મામલે સ્કૂલ સંચાલકોનો છેદ ઉડાડી રાજ્ય સરકારનો પરિપત્ર જાહેર

ગાંધીનગર,તા.૮

૩૧મી ઓક્ટોબર સુધીમાં ૫૦ ટકા ફી નહી ભરો તો ૨૫ ટકા ફી માફીનો લાભ નહી મળે તેવા ખાનગી સ્કૂલ સંચાલકોના જુઠાણાનો રાજ્ય સરકારે ઠરાવ કરીને છેદ ઉડાડયો છે. ખાનગી સ્કૂલોની ફીમાંથી ૨૫ ટકા ઘટાડાના સંદર્ભમાં સરકારે બુધવારે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વાલી પોતાની અનુકુળતાએ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ભરી શકશે. ફી ભરવામાં વિલંબ થાય તો શાળા વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ વસુલી શકશે નહીં. જો કોઈ વાલીએ ૧૦૦ ટકા ટયુશન ફી એડવાન્સ ભરી હોય તો તે વાલીને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આવી વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.

સપ્તાહ પહેલા સરકારે ટયુશન ફીમાં ૨૫ ટકાનો કાપ મૂકવા અંગે કરેલી જાહેરાતમાં અનુરોધ કર્યો હતો કે, વાલીઓ ૫૦ ટકા ફી ૩૧મી ઓક્ટોબર સુધી ભરે. જોકે આ વાતનો ફાયદો ઉઠાવી ખાનગી સ્કૂલોના સંચાલકો વાલીઓને એવી ધમકી આપવા લાગ્યાં હતા કે, જો ૩૧મી ઓક્ટોબર સુધીમાં ફી નહી ભરવામાં આવે તો અમે ૨૫ ટકા ફી માફીનો લાભ નહી આપીએ. જોકે અત્યારે તો સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે, ફી ભરવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહી. પરંતુ સવાલ એ થાય છે કે, ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને ૩૧મી સુધી ફી ભરવાનું ધમકી સાથે દબાણ કરશે તો હજુ રાજ્ય સરકાર હાથ જોડીને બેસી રહેશે કે પછી આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરશે ?

કારણ કે સરકારની જાહેરાત પછી પણ ખાનગી સ્કૂલના સંચાલકો જુઠ્ઠાણા ચલાવી વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦ના બીજા સત્રની તમામ ફીની રકમ જો બાકી હોય તો તેમજ વર્તમાન શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ના પ્રથમ સત્રની ૨૫ ટકા કાપ કર્યા બાદની ટયુશન ફીની ૫૦ ટકા રકમ ૩૧મી ઓક્ટોબર સુધીમાં ભરપાઈ કરી આપે તે ઈચ્છનીય રહેશે. પરંતુ અસામાન્ય સંજોગોમાં સમયમર્યાદામાં ફી ભરવા માટે કોઈ વાલી અક્ષમ હોય તો, વાલી દ્વારા શાળા સંચાલક સમક્ષ કારણો સહિતની રજૂઆત કરવામાં આવે. આ રજૂઆતને શાળા સંચાલકે કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાને લઈને સુચારૂ રીતે નિવારણ લાવવાનુ રહેશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here