શુક્રવારે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે

0
27
Share
Share

કોરોના સંકટ વચ્ચે ભારતની પ્રથમ દ્ધિપક્ષીય સિરીઝઃ કોહલી ત્રીજા, ઐય્યર ચોથા સ્થાને બેટિંગ કરે તેવી શક્યતા

સિડની,તા.૨૬

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જયાં બંને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ આવતીકાલે શુક્રવારે ૨૭ નવેમ્બરે રમાશે.

ભારતીય સમયાનુસાર સવારે ૯ કલાક ૧૦ મિનિટ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરીઝનો મુકાબલો શરૂ થશે. જે સીડનીના મેદાન પર રમાશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વાઈસ કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન અને મયંક અગ્રવાલની ઓપનીંગ જોડીની સાથે ઉતરી શકે છે. તો કે.એલ. રાહુલ વિકેટ કીપર તરીકે ઉતરશે. કારણ કે આ ટીમમાં રીષભ પંત નથી. કેપ્ટન કોહલી નંબર ત્રણ પર બેટીંગ કરશે. તો ચોથા સ્થાનની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળશે. છઠ્ઠા સ્થાને હાર્દિક પંડ્યાને તક મળી શકે છે. પરંતુ હાર્દિક બોલીંગ કરશે નહિં. બોલીંગ વિભાગમાં કોહલી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જશપ્રીત બુમરાહની સાથે મેદાન પર ઉતરી શકે છે.

આમ તો વિરાટ કોહલીની ટીમ સામે અન્ય કોઈ ટીમ મજબૂત કહી શકાય નહીં પરંતુ કાગળ પર ઓસ્ટ્રેલિયા મજબૂત છે. બંને વચ્ચે રમાયેલી ૧૪૦ વન-ડેમાંથી ઓસ્ટ્રેલિયાએ ૭૨ મેચ જીતેલી છે તો ભારતના ભાગે ૫૨ મેચ આવી છે જ્યારે દસ મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી તો પાંચ મેચ તો સાવ રદ જ કરી દેવાઈ હતી.

ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારત માટે બાજી કઠીન રહી છે. કાંગારું ભૂમિ પર બંને વચ્ચેની ૯૬ મેચમાથી ભારતે ૩૯ મેચ જીતી છે જ્યારે ૫૧ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતેલી છે અને છ મેચ અનિર્ણીત રહી છે.

જોકે મહેન્દ્રસિંહ ધોનીના આગમન બાદ ભારતે તેની આ હરીફ ટીમ સામે મેચ જીતવાની ટકાવારીમાં વધારો કર્યો છે અને તેમાં ય વિરાટ કોહલીની આગેવાની હેઠળ આ રેકોર્ડ વધારે બહેતર બન્યો છે.અંગત બેટિંગની વાત કરીએ તો સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ૩૦૭૭ રન ફટકાર્યા છે જ્યારે રોહિત શર્માએ ૨૨૦૮ રન નોંધાવ્યા છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે નવ સદી ફટકારી છે તો વિરાટ કોહલીએ આઠ સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : એરોન ફીન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, એલેકસ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોયનીસ, ગ્લેન મેકસવેલ, પેટ કમીન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવૂડ.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, (વિ.કિ.), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ અને જશપ્રીત બુમરાહ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here