શિલ્પાના પતિ અને પુત્રએ ગરીબોમાં ધાબળા વહેંચ્યા

0
27
Share
Share

રાજ કુંદ્રા પાસે કોઈ વસ્તુની કમી નથી છતાં તેમણે દીકરાને દરેક વસ્તુનું મૂલ્ય સમજાવવા જે કર્યું તે પ્રશંસીનય છે

મુંબઈ, તા.૨૯

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી તેમ છતાં શિલ્પાના ફેન્સમાં ખૂબ પોપ્યુલર છે. રાજ કુંદ્રા ક્યારેક સોશિયલ મીડિયા પર ફની પોસ્ટ મૂકીને ફોલોઅર્સને મનોરંજન આપતો રહે છે. જો કે, આ વખતે રાજ કુંદ્રાએ એવું નેક કામ કર્યું છે કે પત્ની શિલ્પા શેટ્ટી પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી ના શકી.

ગણતંત્ર દિવસે રાજ કુંદ્રા દીકરા વિઆનને લઈને સવારે ૬ વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. રાજ અને વિઆને સવારે નીકળીને જરૂરિયાતમંદોમાં ધાબળા વહેંચ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું કે, “બાળકોને એ શીખવવું જરૂરી છે કે જિંદગી હંમેશા સરળ નથી હોતી. તમારા બાળકોને એ શીખવવું જરૂરી હોય છે કે, માથા પર છત, થાળીમાં ભોજન અને ધાબળા સાથેની સૂંવાળી પથારી સરળતાથી નથી મળતી”. આ વિડીયો શેર કરતાં રાજે એવું પણ લખ્યું, “રોજ એક સારું કામ. એવા ગુણ જે આપણા બાળકોને શીખવવા જરૂરી છે. આપણે દરેક બાબતને હળવાશમાં ના લઈ શકીએ.”

પતિએ કરેલા આ નેક કામના વખાણ કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું, “સારા વ્યક્તિની નિશાની એ જ છે કે તેનું હૃદય સાચી જગ્યાએ હોય. તારા આ જ ગુણે મને તારી તરફ આકર્ષી હતી. તું એક સારો દીકરો, ભાઈ અને પતિ તો છે જ સાથે અદ્ભૂત પિતા પણ છે. આ જ કારણે મેં તારી સાથે લગ્ન કર્યા. વિઆન અને સમિષા શ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી જીવનના મૂલ્યો શીખી રહ્યા છે. લવ યુ.”

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટી અવારનવાર દીકરાને કંઈ નવું શીખવે તો તેના વિડીયો ફેન્સ સાથે પોસ્ટ કરતી રહે છે. તો દરેક તહેવારોની તૈયારીમાં પણ વિઆન મમ્મીની મદદ કરતો જોવા મળ્યો છે. શિલ્પા શેટ્ટીએ નવેમ્બર ૨૦૦૯માં રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૨માં કપલના દીકરા વિઆનનો જન્મ થયો હતો. જ્યારે ૨૦૨૦માં સરોગસીથી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની દીકરી સમિષાનો જન્મ થયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here