શાહે ખેડૂતો સાથે મંત્રણામાં જોડાનાર ૩ પ્રધાનો સાથે રણનીતિ તૈયાર કરી

0
28
Share
Share

બુધવારે ખેડૂતો સાથે સરકારની મંત્રણાઃ એમએસપીની નવી ફોર્મ્યુલા રજૂ થશે

ખેડૂતોનો એક મહિનાથી ચાલતો વિરોધ સમાપ્ત કરવા તથા અન્નદાતાઓની શંકાઓ દુર કરશે સરકાર

ન્યુ દિલ્હી,તા.૨૯

ખેડૂતોના લગભગ એક મહિનાથી ચાલતા વિરોધને ખતમ કરવા અને તેમની શંકાઓ દૂર કરવા માટે સરકાર બુધવારે થનારી વાતચીતમાં એમએસપી પર નવી ફોર્મ્યુલા રજૂ કરશે. ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતો સાથે વાતચીત કરનારા ત્રણેય કેન્દ્રીય પ્રધાનો સાથે સોમવારે વાતચીતની રણનીતિ તૈયાર કરી છે. સરકાર ખેડૂતો સાથે થનારી મીટીંગને નિષ્ફળ નથી જવા દેવા માગતી.

સરકાર જાતે છે કે ખેડૂત સંગઠનો ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા અને એમએસપીને કાનૂની બનાવવાની માંગણી સાથે વિરોધ ચાલુ રાખશે. એટલે ખેડૂત સંગઠનોની આ રણનીતિના જવાબમાં સરકાર એમએસપી અંગેની નવી ફોર્મ્યુલા ખેડૂતો સમક્ષ મુકશે. જેમાં સરકાર કહેશે કે તે એમએસપી હેઠળ સરકારી ખરીદીને ભવિષ્યમાં ચાલુ રાખવા માટે લેખિત ગેરંટી આપવા માટે તૈયાર છે પણ તેને કાયદાનો ભાગ નહીં બનાવી શકાય. સરકાર ખેડૂત સંગઠનોને પૂછશે કે એમએસપીને ચાલુ રાખવાનો સંદેશ આપવા સરકાર બીજું શું કરી શકે ? આ ઉપરાંત સરકાર એમ પણ કહેશે કે કાયદો લાગુ થયા પછી જે જોગવાઇ ના કારણે ખેડૂતોને મુશ્કેલી પડશે તેમાં ભવિષ્યમાં વાતચીત કરીને ફેરફાર કરાશે.

સરકાર સંપૂર્ણ રણનીતિ સાથે વાતચીતના મેદાનમાં ઉતરવા માંગે છે. આ જ કારણ છે કે સમય એક દિવસ લંબાવાયો છે. વાતચીત માટે સરકારની રણનીતિ તૈયાર કરવા માટે સોમવારે ગૃહ પ્રધાન શાહ, કૃષિ પ્રધાન તોમર અને વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ વચ્ચે મેરેથોન મીટીંગ થઇ. મંગળવારે પણ વાતચીતની તૈયારી માટે આ જ પ્રકારની ઉચ્ચસ્તરીય મીટીંગ થશે. સરકાર ઇચ્છે છે કે આ વખતની વાતચીતનું કોઇ સકારાત્મક પરિણામ આવે.

ખેડૂત સંગઠનો સાથે વાતચીત પર સંમતિ છતાં સરકાર અને ભાજપા કૃષિ કાનુનોના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલુ રાખશે. આ જ ક્રમમાં વડાપ્રધાન મોદીએ સોમી કિસાન રેલને લીલીઝંડી દેખાડતા કૃષિ કાનુનોના ફાયદાઓ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રમાં સુધારાઓની વ્યાપક જરૂર છે. આ ત્રણે કાયદાઓ એ દિશામાં કરાયેલ નક્કર પહેલ છે. તેમણે એમ પણ કહ્યું કે, કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે સરકારની નીયત અને નીતિ સ્પષ્ટ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here