શરદ પવારને અધ્યક્ષ બનાવવા શિવસેનાનું સામનામાં સૂચન

0
24
Share
Share

મુંબઈ,તા.૨૭

યુપીએના નેતૃત્વ પર ફરી સવાલો ઉઠયા છે. આ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ જ આ સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એક લેખમાં સલાહ આપી છે કે યુપીએએ હવે નેતૃત્વમાં ફેરબદલ કરવા જોઇએ અને એનસીપીના વડા શરદ પવારને યુપીએના વડા બનાવવા જોઇએ. શિવસેનાએ સાથે જ વર્તમાન યુપીએને એનજીઓ જેવી ગણાવી દીધી છે સાથે જ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી મહેનતપૂર્વક કામ તો કરી રહ્યા છે પણ તેમના નેતૃત્વમાં કેટલીક ખામી છે. કોંગ્રેસને હવે વચગાળાના નહીં પણ ફુલટાઇમ અધ્યક્ષની જરૂર છે.

હાલ યુપીએમાં શરદ પવાર જ એવા નેતા છે કે જેઓ આ પદ સંભાળી શકે તેમ છે, તેમના અનુભવને કારણે પીએમ મોદી પણ તેમની સલાહ લે છે.  ભાજપના વિરોધ માટે જ્યાં સુધી યુપીએના બધા જ પક્ષો સામેલ નહીં થાય ત્યાં સુધી વિપક્ષ સરકાર સામે અસરકારક સાબિત નહીં થાય. નબળા વિપક્ષને કારણે જ સરકાર ખેડૂતો અને કૃષિ કાયદા મુદ્દે બેફિકર છે. સરકારના આ પ્રકારના વલણનું કારણ નબળો વિપક્ષ છે. યુપીએના નેતૃત્વમાં ફેરફાર કરવાની હાલ જરૂર છે. શિવસેનાએ સામનામાં કહ્યું છે કે યુપીએ નામના એક રાજનીતિક સંગઠનની કમાન કોંગ્રેસ પાસે છે, યુપીએ હાલ એક એનજીઓની જેમ કામ કરી રહી છે.

તે જ કારણ છે કે યુપીએના ગઠબંધનમાં સામેલ પક્ષો ખેડૂતોના આંદોલન પર સાવ નરમ છે અને માત્ર એનસીપી જ અવાજ ઉઠાવી રહી છે. એનસીપીના વડા શરદ પવારમાં યુપીએની આગેવાની લેવાની ક્ષમતા છે. બીજી તરફ શિવસેનાની આ સલાહને કોંગ્રેસે ફગાવી દીધી છે. સાથે એવી સલાહ આપી છે કે જે પક્ષો યુપીએમાં સામેલ જ ન હોય તેઓએ યુપીએના નેતૃત્વ અંગે સલાહ ન આપવી જોઇએ. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણે શિવસેનાને સલાહ આપતા કહ્યું છે કે શરદ પવારે ખુદ કહ્યું છે કે તેઓ યુપીએની કમાન નહીં સંભાળે તો પછી આવી સલાહ આપનારી શિવસેના કોણ? યુપીએમાં સામેલ ન હોવાથી શિવસેનાએ આવી સલાહ ન આપવી જોઇએ અને અમને સોનિયા ગાંધીના નેતૃત્વ પર પુરો વિશ્વાસ છે અને અમારૂ સમર્થન છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here