શંકરસિંહ વાઘેલાની સુદીર્ઘ રાજકીય કારકિર્દી

0
9
Share
Share

શંકરસિંહ વાઘેલાને કોરોના વાઇરસનું સંક્રમણ થયું છે અને તેમને અમદાવાદની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ ૫૦ વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા.રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું જાણે કે રિવાજ રહ્યો છે.ભાજપમાં હોય કે કૉંગ્રેસમાં અને એ પછી એનસીપીમાં, ગુજરાતના રાજનેતાઓમાં રિસાઈ જવાનો રેકર્ડ તો ‘બાપુ’ના નામે જ છે.ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની ઝપેટમાં આવ્યા, ત્યાર પહેલાં જ તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપ્યું હતું.તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં જેની સાથે તેમણે છેડો ફાડ્યો હોય એવી આ ચોથી રાજકીય પાર્ટી હતી.જોકે ત્યાર પછી તેમણે પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો કે તેઓ નિવૃત્તિ લેવાના નથી.પોતાને ’ઓલ્ડ વાઇન’ ગણાવનાર શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટર્વ્યૂની ક્લિપિંગ ટિ્‌વટર પર પોસ્ટ કરી જેમાં તેમણે કહ્યું કે તેમનું એકમાત્ર લક્ષ્ય ૨૦૨૨માં ભાજપને ગુજરાતમાંથી બહાર કરવાનું છે.કૉંગ્રેસ અને એનસીપીથી નિરાશ થયેલા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ’પ્રજાશક્તિ મોર્ચા’ હેઠળ તેઓ ગુજરાતના મુદ્દાઓને વાચા આપી શકશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના ’બાપુ’ બન્યા તેના પર નજર કરવી રસપ્રદ બની રહેશે.ગુજરાતમાં કદાચ જ કોઈ એવો નેતા હશે જેમનો બાયોડેટા શંકરસિંહ વાઘેલા જેવો હશે.કૉલેજના સમયમાં આરએસએસ સાથે જોડાયેલા વાઘેલાને ઇમર્જેન્સીના સમયમાં ઇન્દિરા ગાંધી સરકારે જેલમાં પૂર્યા હતા અને આગળ જતા વાઘેલા એ જ કૉંગ્રેસ સાથે જોડાયા હતા.જનસંઘ અને પછી ભાજપમાં પણ શંકરસિંહ વાઘેલા જોડાયા. પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવાનો ઇરાદો રાખનાર વાઘેલા રાષ્ટ્રિય જનતા પાર્ટી લૉન્ચ કરી અને એનસીપીમાં પણ ગયા પણ આખરે ત્યાંથી પણ વિદાય લઈ લીધી.શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં ૨૧ જુલાઈ ૧૯૪૦ના રોજ થયો હતો.૧૯૬૦ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ’જનસંઘ’માં જોડાઈને કરી હતી.ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૧માં સ્થપાયેલું આ સંગઠન ગુજરાતમાં એટલું બધું વ્યાપક નહોતું પરંતુ ગુજરાતમાં જનસંઘનો વ્યાપ વધારવામાં ’બાપુ’નો મહત્ત્વનો ફાળો હોવાનું મનાય છે.તેમની બોલવાની છટા અને દરેક કાર્યકરનાં નામ સુદ્ધાં યાદ રાખવા જેવી કુશળતાને કારણે જનસંઘે ગુજરાતમાં પોતાનાં મૂળિયા મજબૂત કર્યાં.આ એ સમય હતો જ્યારે દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા. તે સમયે વાઘેલાની સંઘમાં ભારે શાખ હતીઆ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી પણ તેમની સાથે કામ કરતા હતા. એવી પણ વાત છે કે વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ઠેરઠેર લઈ જતા હતા.શંકરસિંહ વાઘેલાને એક રીતે નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ પણ કહી શકાય.દેશમાં ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતમાં ઇંદિરા સરકાર વિરુદ્ધ જે જનઆંદોલન થયું હતું તેમાં બાપુનો મહત્ત્વનો ફાળો હતો.ત્યારબાદ સમય રહેતા વર્ષ ૧૯૭૭માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું.પરંતુ ૧૯૮૦ની સાલ આવતા તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ ’ભારતીય જનતા પાર્ટી’ તરીકે ઊભરી આવ્યો.વર્ષ ૧૯૭૭માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.જોકે, ૧૯૮૦માં જનસંઘ ’ભાજપ’ બની ચૂક્યો હતો. ત્યારે ૧૧ વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. ત્યારબાદ ૧૯૮૪માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી.તેમણે ગુજરાતમાં પાર્ટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. જોકે ૧૯૯૦ પછી જ્યારે લાલ કૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા ત્યારે નક્કી હતું કે ગુજરાતમાં ભાજપ આવે તો નેતૃત્વ વાઘેલાના હાથમાં જ રહેશે.તે દિવસોમાં પાર્ટીમાં નરેન્દ્ર મોદી તેમની નજીક હતા અને તેઓ એક સાથે ગુજરાતમાં ફરતા હતા.પરંતુ બાપુ સમજી ગયા હતા કે અડવાણીનો ઝુકાવ મોદી તરફ વધારે છે અને તેમનો મિત્ર તેમના માટે જોખમ બની શકે છે.વર્ષ ૧૯૮૫ની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી સામે ભાજપ બિલકુલ ધરાશાયી થઈ ગયો.ભાજપ ફરીથી લોકોમાં પોતાની શાખ વધારવા મહેનત કરી રહ્યો હતો.વર્ષ ૧૯૮૭માં સંઘના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે વિરોધ ઊભો થવાનું શરૂ થઈ ગયું.કહી શકાય કે બંનેની મહત્ત્વાકાંક્ષાના ટકરાવને કારણે પાર્ટીમાં ફાડ પડી ગઈ.૧૯૯૫માં ભાજપ ગુજરાતમાં ૧૨૧ સીટો પર જીતી ગયું અને મોદીએ વાઘેલાને હઠાવીને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા.વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્ય મંત્રી નથી બની શક્યા.વાઘેલા નારાજ થઈ ગયા અને તેમણે જે કર્યું એ ભાજપ અને ગુજરાતમાં ક્યારેય નહોતું બન્યું.કેશુભાઈની સરકારના ૪૭ ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.

આ બળવાને ’ખજૂરિયા-હજૂરિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી.શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હઠાવવા અને તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર કેન્દ્રમાં મોકલવાની માગ કરી.આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.જોકે મોદી ગુજરાતની બહાર તો હતા પરંતુ શંકરસિંહ વાઘેલા ખુશ નહોતા કારણકે અમિત શાહ મારફતે મોદીનો દબદબો ગુજરાતમાં હતો જ.સુરેશ મહેતાની સરકારથી નાખુશ વાઘેલાએ ૧૯૯૫માં સુરેશ મેહતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર પડી ગઈ.૧૯૯૬માં વાઘેલા ગોધરાથી લોકસભા ચૂંટણી હારી ગયા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું.તેમણે તેમના ૪૭ વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું ’રાષ્ટ્રીય જનતા પાર્ટી’.૧૯૯૭-૯૮ સુધી એક વર્ષ માટે કૉંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા. આ સરકાર વધારે ન ચાલી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. ત્યાર પછી વાઘેલાએ પોતાના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.૨૦૧૭ સુધી કૉંગ્રેસમાં અલગઅલગ પદે કામ કરી ચૂકેલા વાઘેલા, મનમોહન સિંહની યૂપીએ-૧ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) સરકારમાં કાપડ મંત્રી રહ્યા હતા.ભલે એક સમયે વાઘેલાના કહેવા પર મોદીને ગુજરાતમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા પરંતુ ૨૦૦૧માં તેઓ મજબૂત થઈને આવ્યા.૨૦૦૨ પછી ધ્રુવીકરણને કારણે ભાજપ મજબૂત થતો ગયો અને મોદીની સામે કોઈ વિકલ્પ ન મળતા સોનિયા ગાંધીએ વાઘેલાને નેતૃત્વ સોંપ્યું હતું.યૂપીએ-૨ સરકારમાં શંકરસિંહ વાઘેલાને માત્ર ગુજરાતમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી અને ફરીથી એક વખત વાદવિવાદનો સમય શરૂ થયો.તેમણે જણાવ્યું કે તે સમયે કૉંગ્રેસ પક્ષ વાઘેલાને બહારના નેતા જ ગણતો હતો અને તેમની પૃષ્ઠભૂમિમાં સંઘના કાર્યકર તરીકે જ તેમની છાપ હોવાનું માનતા હતા.કૉંગ્રેસ પક્ષ શંકરસિંહ વાઘેલાનો ઉપયોગ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી શક્યો હોત પરંતુ તેવું ન બન્યું. કારણ કે જે નેતા પોતાના પક્ષમાં રહીને જ ’વિભીષણ’ બની તેમના ધારાસભ્યોને પોતાની સાથે ભેળવી શકતા હોય તેઓ કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે.વાઘેલાએ તેમના મુખ્ય મંત્રીના એક વર્ષના કાર્યકાળમાં જે ધડાધડ નિર્ણયો લીધા હતા તેનાથી સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ તેમનાથી નારાજ હતા.વાઘેલાના એક પછી એક નિર્ણય લેવાથી કૉંગ્રેસને ફાળ પડી ગઈ કે જો આવી જ રીતે વાઘેલા સત્તા પર રહીને શાસન ચલાવશે, તો આગળ જતા મુશ્કેલી પડશે.વાઘેલા પણ કૉંગ્રેસમાં સંતુષ્ટ નહોતા. ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં વાઘેલાના નારાજ થવાનો પ્રસંગ બને એમાં કંઈ નવું નહોતું.૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ વહેંચણી તેમના મત પ્રમાણે થાય એવી આશા જ્યારે પૂરી ન થઈ ત્યારે શંકરસિંહ વાઘેલાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો.અમિત શાહના ગુરુ મનાતા ’બાપુ’ હવે ભાજપનો હાથ પકડશે એવી અટકળો હતી જે ખોટી સાબિત થઈ.તેમણે પોતાનો નવો પક્ષ રચ્યો જેનું નામ આપ્યું ’જન વિકલ્પ મોરચા.’આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને રાજકીય કારકિર્દી બચાવવા માટે તેઓ એનસીપીમાં જોડાઈ ગયા.ત્યાં પણ ગુજરાત પાર્ટી પ્રમુખ પદ પરથી તેમને હઠાવવાથી અને રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસવોટિંગથી તેઓ નારાજ હતા.જોકે તેમણે ટિ્‌વટર પર પોસ્ટ કરેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હવે તેમનું લક્ષ્ય ૨૦૨૨ સુધી ગુજરાતમાંથી ભાજપને હઠાવવાનું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here