વ્યાજખોરો ઉપર મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા આશીષ ભાટિયાએ કર્યો આદેશ

0
7
Share
Share

ગાંધીનગર,તા.૧૭

રાજ્યમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છે. વ્યાજખોરીની બદીને ડામવા માટે પરિપત્રમાં તમામ જિલ્લા અને શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. ગુંડા એક્ટ અને પાસા સહિતની જોગવાઈનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે. વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંનું ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલા નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાકધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જિલ્લા કે શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવેલું છે. બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવેલો છે કે જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે કે રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય.

ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા બનાવોમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલિકને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઇ સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવા આરોપીઓ સામે પાસા અને ધ પ્રિવેન્સન્સ ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું છે કે, જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. આવા આરોપીઓનું લિસ્ટ બનાવીને તેમની ગતિવિધિ ઉપર વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here