વેળાવદર નજીક અભ્યારણમાં પાંચ કાળિયારનાં મોતથી રોષ

0
16
Share
Share

ભાવનગર, તા.૨
કાળીયારના રક્ષણ અને સંવર્ધન માટે ભાવનગરના ભાલ પંથકમાં વેળાવદર પાસે રાષ્ટ્રીય અભ્યારણ બનાવેલ છે પરંતુ આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અને અન્ય કારણોસર ૪ માદા અને ૧ નર કાળીયાર મૃત્યુ પામ્યા છે. આ પાંચ કાળીયારના મોત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જિલ્લા પ્રશાસનના અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વેળાવદર રાષ્ટ્રીય ઉધ્યાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે બે કાળીયારના મોત નિપજ્યા છે તેમજ ત્રણ કાળીયારના કુતરા પાછળ પડવાને કારણે મોત થયા છે. પાણી ભરાવા માટે ઘણા કારણ જવાબદાર છે. જેથી મીઠાના પાળા બાબતે અને કાળીયાર માટે ફોરેસ્ટ વિભાગનો અભિપ્રાય લીધા બાદ કાર્યવાહી કરાશે તેમજ આ સમગ્ર વિસ્તારનો સાયન્ટિફિક સ્ટડી પણ કરવામાં આવશે. તેમ ગૌરાંગ મકવાણા,જિલ્લા કલેકટર – ભાવનગર દ્વારા જણાવાયુ છે.
આ ઘટનામાં તંત્ર દ્વારા મીઠાના અગરો માટે કચ્છના ૧૩ જેટલા આસામીઓને રાતોરાત હજારો એકર જમીન ફાળવવામાં આવી હતી અને આ જમીનમાં કરાયેલા પાળાને કારણે પાણીનો નિકાલ નહીં થતા આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ભારે વરસાદના કારણે એક તરફ ભાલ પંથકના ૨૫થી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ પાંચ કાળીયારના મોત નીપજયા છે. જો કે પાણીના પ્રવાહમાં તણાતા બે અને કુતરાએ હુમલો કરતા ૩ એમ કુલ પાંચ કાળીયારના મોત નીપજયા હોવાનુ તંત્ર દ્વારા જણાવાયું છે. આ ૫ કાળીયારમાંથી ૪ માદા અને ૧ નર મૃત્યુ છે અને તમામ કાળીયારની ઉંમર ૩થી૫ વર્ષની છે. કચ્છના સોલ્ટવાળાએ આક્ષેપોનો જવાબ આપતા હાઈવેના કામ અને અન્ય દબાણોને કારણે પાણી ભરાયાનું જણાવ્યુ હતું. તેમના જણાવ્યા મુજબ અમે ૫૫૦ એકરથી વધુ જમીન પાણીના વહેણ માટે ખુલી મુકી છે. હાઈવેના કામમાં રોડના પાણીના નિકાલની સાઈઝ ખૂબ નાની છે. અન્ય જગ્યાએ અનેક સ્થળે દબાણો થયેલ છે. જેને કારણે પાણીનો નિકાલ થતો નથી. ધંધાકીય હરિફાઈને કારણે અમને ખોટા બદનામ કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
કાળીયારના મોત અંગે પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા પાણીમાં કાળીયાર હરણ અવદશા દર્શાવતો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરી કાળીયાર હરણના અસ્તિત્વની ચિંતા વ્યક્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here