વીર નર્મદ યુનિવર્સિટી ખાતે “ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર”નું ઈ-ઉદ્ઘાટન કરાયું

0
35
Share
Share

સુરત,તા.૧૫

આ પ્રસંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે “આજે આપણે દરેક ક્ષેત્રે આધુનિકતા અને ટેકનોલોજી થકી વૈશ્વિક નાગરિક બની શક્યા છીએ. આપણી ફરજ બને છે કે આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને સમાજ તથા દેશની સુવિધામાં વધારો કરીએ. સમસ્યાનું સુવિધા સાથે સમાધાન કરવું એટલે સ્ટાર્ટઅપ.” વડાપ્રધાનની આત્મનિર્ભરતાની ઝુંબેશ સંદર્ભે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપણા અને ઇનોવેટીવ વિચારો થકી પતંગોત્સવ જેવી સફળ પ્રવૃત્તિઓ થઇ શકી છે. જેના કારણે પતંગ વેપારીઓનું ૩૦ કરોડનું ટર્નઓવર પાંચ વર્ષમાં ૩૦૦ કરોડ સુધી પહોંચ્યુ છે. આમ, પતંગ વિક્રેતાઓને ચાર મહિનાની રોજગારીમાંથી ૧૨ મહિનાની રોજગારી મળી શકી.

એ જ રીતે, રણોત્સવ કે જ્યાં ૧૦ વર્ષ પહેલા કચ્છની હોટેલોમાં ૧૦ થી ૨૦ ટકા જેટલી જ ઓક્યુપન્સી રહેતી ત્યાં હવે બારેય માસ ૧૦૦ ટકા ઓક્યુપન્સી રહે છે. આ ઇનોવેટીવ વિચારોનું પરિણામ છે. ગુજરાતમાં વિશાળ શક્યતાઓ છે. દરેક વ્યક્તિ ક્ષમતા ધરાવે છે. જેને ખીલવવાની જરૂરિયાત ઇનોવેશન પુરી પાડશે. ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ તક મળશે.”ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ માટે વિપુલ તકો રહેલી છે. યુનિવર્સિટી પાસે સંસાધનો છે અને સરકારની મદદ પણ મળી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના નવા વિચારોને પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.ઇનોવેશન સેન્ટર વિદ્યાર્થીઓમાં રહેલા નવીન વિચારો અને સ્ટાર્ટઅપ આઈડિયા “ઇનોવેશન ટુ ઇન્કોર્પોરેટ” એટલે કે નવીનીકરણથી સ્ટાર્ટઅપ દ્વારા એક કંપની પ્રસ્થાપિત કરવાની યાત્રા સુધી મદદગાર બનવાનો પ્રયાસ કરશે.

આગામી દિવસોમાં સેન્ટર દ્વારા ઇનોવેશન, સ્ટાર્ટઅપ, ફેસ્ટિવલ, કોન્ફરન્સ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટર પેટન્ટ ફીલિંગ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે. સ્થાનિક ઉદ્યોગ વસાહત સાથે જોડાણ કરીને સહાયક કામગીરી પ્રસ્તુત સેલ દ્વારા કરવામાં આવશે. આ સાથે સંશોધનનો સંગ્રહ અને પ્રકાશનનું કામ પણ કરવામાં આવશે.રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાર્થીઓને સૌથી વધારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રેરિત કરવામાં પ્રથમ રહ્યું છે. વિદ્યાર્થીઓના વિચારને પ્રોડક્શન સુધી લઇ જવામાં સરકાર દ્વારા મદદ મળી રહે છે એમ જણાવી આ ક્ષેત્રમાં વધુને વધુ સારું કામ કરી શકીએ તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here