વિશ્વના સૌથી મોટા પરમાણુ ફ્યુઝન પ્રોજેક્ટના ‘હૃદય’ને સુરતથી ફ્રાન્સ મોકલાયુ

0
9
Share
Share

સુરત,તા.૩૦

ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારત સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા જઇ રહ્યું છે. એલ એન્ડ ટી કંપનીએ બનાવેલો ક્રાયોસ્ટેટ કે જેને આ પ્રોજેક્ટનું ‘હૃદય’ માનવામાં આવે છે તે આજે સુરતના હજીરાથી ફ્રાન્સ માટે રવાના કરાયો. ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઇ રિએક્ટર વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. તેને જ ક્રાયોસ્ટેટ કહેવાય છે.

ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર પ્રોજેક્ટના સભ્ય દેશ હોવાને નાતે ભારતે તેને તૈયાર કરવાની જવાબદારી ચીન પાસેથી છીનવી લીધી હતી. આ પ્રોજેક્ટ હેઠળ ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા થશે જે સૂર્યના કોરથી ૧૦ ગણું વધારે હશે. ક્રાયોસ્ટેટનું કુલ વજન ૩,૮૫૦ ટન છે. તેનો ૫૦મો અને છેલ્લો ભાગ આશરે ૬૫૦ ટન વજન ધરાવે છે. તેની પહોળાઈ ૨૯.૪ મીટર અને ઊંચાઈ ૨૯ મીટર છે. રિએક્ટર ફ્રાન્સના કાદાર્શેમાં બની રહ્યું છે. વિશ્વવ્યાપી લૉકડાઉન છતાં ભારતે તેના હિસ્સાને ફ્રાન્સ મોકલવાનું જારી રાખ્યું હતું. આ તમામ હિસ્સાને જોડીને ચેમ્બરનો આકાર આપવા માટે ભારતે કાદાર્શે નજીક એક વર્કશોપ પણ બનાવ્યું છે.

આ પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન ૯ ટકા છે પણ ક્રાયોસ્ટેટ આપી દેશ પાસે તેની બૌદ્ધિક સંપદાના અધિકાર સુરક્ષિત રહી જશે. આઈટીઈઆર આ યોજનાથી મેગ્નેટિક ફ્યૂઝન ડિવાઈસ બનાવી રહ્યું છે. પૃથ્વી પર માઈક્રો સૂર્ય પેદા કરવાની આ જવાબદારી ૭ દેશોએ ઉપાડી છે. તેમાં ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને રશિયા પણ સામેલ છે. ભારતને ક્રાયોસ્ટેટ તૈયાર કરવાની જવાબદારી મળી હતી. તેનું નીચલું સિલિન્ડર ગત વર્ષે જુલાઈમાં મોકલાયું હતું. જોકે માર્ચમાં તેનું ઉપરનું સિલિન્ડર રવાના કરાયું હતું. હવે તેનું ઢાંકણ મોકલવામાં આવી રહ્યું છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here