વિવેક ઓબેરોયનો હેલ્મેટ વગર બાઈક ચલાવતો વીડિયો મહારાષ્ટ્રના ગૃહમંત્રી, પોલીસને ટેગ કરી ટ્વીટ કર્યો હતો
મુંબઈ, તા.૨૦
બોલીવુડ અભિનેતા વિવેક ઓબરોયને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનું મોંઘું પડ્યું છે. મુંબઈ ટ્રાફિક પોલીસે તેમના પર હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવા માટે દંડ ફટકાર્યો છે. પોલીસે આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર એક વીડિયો આવ્યા બાદ કરી છે. જે વીડિયોમાં અભિનેતા મુંબઈના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવતા નજરે ચડી રહ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ વીડિયો પર મુંબઈ પોલીસે વિવેક ઓબેરોય પર રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.
એક સોશિયલ એક્ટિવિસ્ટે વિવેક ઓબેરોયનો હેલ્મેટ વગર બાઈક ચલાવતો વીડિયો મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ, મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસને ટેગ કરી ટ્વીટ કર્યો હતો. અભિનેતાને દંડ ફટકારનારા અધિકારીએ જણાવ્યું કે, ઓબેરોયે માસ્ક પણ નહોતું પહેર્યું, જે કોરોના મહામારી દરમિયાન ફરજિયાત છે. અભિનેતાએ રવિવારે આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને આ દંડ થયો છે.
મુંબઈ પોલીસે અભિનેતા વિવેક ઓબેરોય પર આઈપીસી કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ કેસ નોંધ્યો છે. એ સિવાય તેમના પર મોટર વ્હિકલ એક્ટની કલમ ૧૨૯, ૧૭૭ અને મહારાષ્ટ્ર કોવિડ-૧૯ પ્રિકોર્શન્સ મેસર્સની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.