વિરમ દેસાઈનો ગાંધીનગરનો બંગલો સીલ કરવામાં આવ્યો

0
28
Share
Share

એસીબી દ્વારા બંગલા પર નોટિસ લગાવીને બંગલો સીલ કરાયો, મિલકતની કિંમત ૧૦૦ કરોડ હોવાની ચર્ચા

ગાંધીનગર, તા. ૨૧

આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચર્ચામાં આવેલાં કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિરમ દેસાઈનો ગાંધીનગર સેક્ટર-૭નો બંગલો સીલ કરવામાં આવ્યો છે. અને બંગલા પર બે પોલીસકર્મીને પણ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. રૂ. ૩૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. એસીબી દ્વારા બંગલા પર નોટિસ લગાવીને બંગલો સીલ કરવામાં આવ્યો છે.

કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસે ઓડી, બીએમડબલ્યુ, જેગુઆર, રેન્જ રોવર જેવી ૧૧ વૈભવી કાર, બે બંગલા, ૩ ફ્લેટ અને ૧૧ દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. એસીબીએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું.

કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની ૩૦ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ એસીબીએ કર્યો છે. જ્યારે પ્રોપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા લોકો કહે છે કે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતની તમામ પ્રોપર્ટીમાં ૯૦૦થી ૧૫૦૦ ટકાનો વધારો થયો છે. જેમાં જમીનની કીંમતમાં આનાથી વધુ વધારો થયો છે. જેથી એવુ અનુમાન કરી શકાય કે એસીબીએ ૩૦ કરોડની પ્રોપર્ટી જાહેર કરી છે તેની વાસ્તવિક બજાર કીંમત ઓછામા ઓછી ૧૦૦ કરોડ હોઈ શકે છે. જો સારા લોકેશન પર માત્ર ખાલી જમીન જ હોય તો કીંમત ૧૦૦ કરોડથી વધુની હશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શું ટીડીઓ, મામલતદાર જેવી વર્ગ ૨ અને ૩ની નીચલી કેડરોમાં જ લાંચ લેવાય છે ? આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની ઉપલી કેડરોમાં ભ્રષ્ટાચારના સજ્જડ પુરવા હોવા છતાંયે એસીબીને તપાસ માટે ગુજરાત સરકાર ત્યાં કેમ મંજૂરી આપતી નથી તેની તેવા સવાલો ઉઠયા છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા- બામણબોરનું રૂ.૩૦૦ કરોડનું કૌભાંડ હોય કે પછી સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના જમીનકાંડોથી લઈને પોલીસમાં આરોપીઓને બચાવવાના નામે અનેક આઈએએસ-આઈપીએસની સંડોવણીઓની ફરિયાદો છતાંયે તપાસ સુદ્ધા થતી નથી. માત્ર સરકારી અધિકારીઓ જ નહિ, ઊંઝા એપીએમસીમાં સેસના નામે કરોડો રૂપિયાનું કાંડ આખા ગુજરાતે જોયુ હોવા છતાંય ભાજપના નેતાઓને ઈશારે તેના ઉપર ઢાંકપિછાડો થઈ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here