વિધાનસભા બજેટસત્રમાં પ્રેક્ષકોને પ્રવેશબંધીઃ પ્રેક્ષક ગેલેરીમાં બેસશે ધારાસભ્યો

0
15
Share
Share

ગાંધીનગર,તા.૨૨
વિધાનસભામાં પહેલી માર્ચથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ખાસ કરીને કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટનસ સંદર્ભે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે આ વખતે પ્રેક્ષકોને વિધાનસભામાં પ્રવેશ નહીં મળે. બજેટસત્રના પ્રારંભ પૂર્વે વિધાનસભા ગૃહમાં અત્યારથી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, જે અંતર્ગત ધારાસભ્યોને બેસવા માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વખતના સપ્ટેમ્બરમાં મળેલા ચોમાસુ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી કેટલાક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ પ્રેક્ષક ગેલેરીની ખુરશીઓ ધારાસભ્યોને માફક આવી ન હતી. સાથે જ ગેલેરી માં માઇકની વ્યવસ્થા પણ અલગથી કરવી પડી હતી. જોકે હવે સમૂળગી બેઠક વ્યવસ્થા બદલી નાખવામાં આવી છે. આ માટે ૭૦ લાખથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે વિધાનસભા ગૃહમાં આ વખતે ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવા પ્રેક્ષક ગેલેરીમાં રહેલી તમામ ખુરશીઓ બદલી નાખવામાં આવી છે. સાથેજ જે પ્રકારની માઈક સાથે ની ખુરશીઓ ની બેઠક વ્યવસ્થા ગૃહમાં છે તે જ પ્રકારની માઈક સાથે ની ખુરશીઓ હવે પ્રેક્ષક દીર્ઘામાં મુકવામાં આવી રહી છે. તમામ ત્રણ પ્રેક્ષક ગેલેરી માં ખુરશીઓ મુકાઈ રહી છે જેમાં ધારાસભ્યો સત્ર દરમિયાન બેસશે. જેના પગલે આ વખતે પ્રેક્ષકો ને વિધાનસભા માં પ્રવેશ નહિ મળી શકે. સપ્ટેમ્બર-૨૦૨૦માં મળેલા ચોમાસુ સત્રમાં કેટલાક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાયેલા પણ ત્યારે સત્ર ટુંકુ હોવાના કારણે પ્રેક્ષક ગેલેરીમાં ખુરશીમાં લાંબો સમય બેસી રહેવાથી પડી રહેલી અગવડતા ધારાસભ્યોએ ચલાવી લીધી હતી.
આ વખતે બજેટ સત્ર એક માસ માટે ચાલવાનું છે ત્યારે ધારાસભ્યો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવાનું જરુરી બની જતા પ્રેક્ષક ગેલેરીની ખુરશીઓ બદલાવવાનો નિર્ણય કરાયો છે. સંપુર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ સાથે વ્યવસ્થા કરવાની હોવાથી આ વખતે ત્રણેય પ્રેક્ષક ગેલેરીઓ પર ધારાસભ્યોનો કબજો રહેશે. બેઠક વ્યવસ્થા સંદર્ભે મળતી વિગતો મુજબ બંને પક્ષના સંખ્યાબળને ધ્યાને રાખી બેઠક વ્યવસ્થા કરાઈ છે. ભાજપના ૧૧૦ અને કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે. પ્રેક્ષક ગેલેરી, અધિકારી ગેલેરી,પત્રકારોની ગેલેરી અને અધ્યક્ષના પાછલના ભાગે રહેલી વીઆઈપી ગેલેરી મળીને કુલ બેઠક ક્ષમતા ૪૧૦ની છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here