ન્યુ દિલ્હી,તા.૨૦
વિદેશી મંત્રાલયના પાસપાર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનું ઉદ્ધાટન કરતા વિદેશી રાજ્ય મંત્રી મુરલીધરને કહ્યું કે, આનાથી નાગરિકોને ઘણી મદદ મળશે. સાથે જ કહ્યું કે હવે નાગરિકોને પાસપોર્ટ માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર નથી. વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું કે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ દેશમાં પાસપોર્ટ સેવાઓના વિસ્તારની દિશામાં મોટુ પરિવર્તન લાવ્યુ છે. ગત ૬ વર્ષમાં તેમાં ઘણુ મોટુ પરિવર્તન જોવા મળ્યું છે. દર મહિને પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૭માં પહેલીવાર એક મહિનામાં અરજી કરનારાઓની સંખ્યાએ એક મિલિયનનો આંકડો પાર કર્યો.
સાથે જ કહ્યું કે પાસપોર્ટ સેવા પ્રોજેક્ટના માધ્યમથી સાત કરોડથી વધુ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું કે, અમે નાગરિકો માટે સર્વિસના અનુભવને સારો બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. પાસપોર્ટ નિયમોને સરળ બનાવવાનું જ નહિ પરંતુ નાગરિકોને ઘર નજીક પણ પાસપોર્ટ સર્વિસ આપવાની ડીસામાં કામ કર્યું છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ કરવાની દિશામાં એક પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે ૪૨૬ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ થઇ ચુક્યા છે
અને બીજા પાઈપલાઈનમાં છે. મંત્રીએ કહ્યું કે ૩૬ પાસપોર્ટ કાર્યાલયો અને ૯૩ વર્તમાન પાસપોર્ટ કેન્દ્રોમાં જોડવામાં આવતા દેશમાં કુલ ૫૫૫ પાસપોર્ટ કાર્યાલય જનતા માટે ઉપસ્થિત છે. સાથે જ કહ્યું કે અમે નાગરિકોની સુરક્ષા વધારવા માટે ઇ-પાસપોર્ટ બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ, જેથી પાસપોર્ટ પર રજીસ્ટર આંકડાઓ સાથે ચેડા કરવા મુશ્કેલી થઇ જાય છે અને જેથી છેતરપિંડીની સંભાવના ઓછી થશે.