વાઇબ્રાન્ટ ગુજરાતની વાસ્તવિકતા

0
29
Share
Share

વાઇબ્રાન્ટ ગુજરાતની દુનિયાભરમાં દુહાઇ આપવામાં આવે છે તે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા કંઇક જુદી જ છે. વાઇબ્રાન્ટ ગુજરાતમાં દરરોજ ૨૨ વ્યક્તિઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ ૨૦૧૯ના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં કુલ ૭ હજાર ૬૫૫ નાગરિકોએ વિવિધ કારણોસર આત્મહત્યા કરી છે. વાઇબ્રાન્ટ ગુજરાતમાં વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બેરોજગારી અને ગરીબીને કારણે ગુજરાતના નાગરિકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.ઉલ્લેખનીય છે કે નોકરી-રોજગારી ન મળવાને કારણે કુલ ૨૧૯ બેરોજગારોએ મોતને વ્હાલું કર્યું છે. તો ૧૦૬ લોકોએ માત્ર ગરીબીને કારણે આત્મહત્યા કરી છે. ગુજરાતમાં એકલા અમદાવાદમાં જ કુલ ૭૬૩ લોકોએ આત્મહત્યા કરી છે. જે પૈકી ૫૩૯ પુરૂષો અને ૨૨૪ મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સત્તાવાર રીતે ૪.૫ લાખ શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે.જ્યારે કે નોંધણી ન થઇ હોય તેવા શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૩૦ લાખથી વધુ છે. ગુજરાતમાં દેશ-વિદેશથી અબજો રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે અને ઉદ્યોગો ધમધમતા હજારો લોકો માટે નોકરીની ઉજ્જવળ તક છે તેવા સરકાર દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતના વિકાસનું વાસ્તવિક ચિત્ર બિલકુલ જુદુ અને ચિંતાજનક છે.લોકસભાની ચૂંટણીઓ સમયે ખેડૂતોની આત્મહત્યા મહત્વનો મુદ્દો બન્યો હતો, જેના નામે ખૂબ પ્રચાર થયો અને મોટા મોટા વચનો આપવામાં આવ્યા પણ હકીકત કઇક અલગ જ સામે આવી રહી છે. ખુદ કેન્દ્ર સરકારના આંકડા કહે છે કે ગત વર્ષે ૨૦૧૯માં દેશભરમાં ૪૨૪૮૦ ખેડૂતો-ખેતમજૂરો અને રોજમદારોએ આત્મહત્યા કરી લીધી છે.ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આવક વધારવાના વચનો આપનારી કેન્દ્રની મોદી સરકારના રાજમાં ખેડૂતોની આત્મહત્યાનો મોટો આંકડો સામે આવ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૯માં દેશભરમાં કુલ ૧૦૨૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે આ આંકડો ૨૦૧૮માં ૧૦૩૫૭ હતો, એટલે કે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં ૨૦ હજારથી વધુ ખેડૂતોએ જીવ ટુંકાવ્યું છે અને સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના મોટી મોટી વાતો કરી રહી છે.જ્યારે ડેલી વેજર્સ એટલે કે રોજનું ખાઇને રોજ ખર્ચ કરનારા મજૂરો, ફેરિયા વગેરેની આત્મહત્યાનો આંકડો ૨૦૧૮માં ૩૦૧૩૨ હતો તે વધીને ૩૨૫૫૯ થયો છે. આશરે આઠ ટકાનો વધારો થયો છે. દેશભરમાં જેટલી પણ આત્મહત્યા થઇ રહી છે તેમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા ૭.૪ ટકા છે. આત્મહત્યા કરનારા ખેડૂતોમાં ૪૩૨૪ ખેત મજૂરોનો પણ સમાવેશ થાય છે. જ્યારે દેશમા ખેડૂતો સહિતનાએ જે આત્મહત્યા કરી લીધી તેની સંખ્યા ૨૦૧૯માં ૧૩૯,૧૨૩ નોંધાઇ છે જે આંકડો ૨૦૧૮માં ૧૩૪૫૧૬ હતો, એટલેએક જ વર્ષમાં આત્મહત્યાઓમાં આશરે ચાર હજાર જેટલો વધારો થયો છે.અગાઉ જ્યારે ૨૦૧૫માં ખેડૂતોની આત્મહત્યાના આંકડા ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જારી કરવામા આવ્યા હતા ત્યારે તેમાં ખેડૂતોએ કેમ આત્મહત્યા કરી તેની માહિતી પણ આપવામાં આવી હતી જેમાં આર્થિક તંગી મુખ્ય કારણ સામે આવ્યું હતું. જોકે આ વખતે જે આંકડા જારી કરવામાં આવ્યા છે તેમાં કારણોને જાહેર નથી કરવામાં આવ્યા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૫૫૬૩ પુરુષ ખેડૂતો અને ૩૯૪ મહિલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, જ્યારે ખેત મજૂરોએ આત્મહત્યા કરી તેમાં પુરુષોની સંખ્યા ૩૭૪૯ અને મહિલા ખેતમજૂરોની સંખ્યા ૫૭૫ છે. રાજ્યોમાં આત્મહત્યાના આંકડા પર નજર કરીએ તો ખેડૂતો અને ખેત મજૂરોની કુલ આત્મહત્યાના ૩૮.૨ ટકા મહારાષ્ટ્રમાં, ૧૯.૪ ટકા કર્ણાટકમાં, ૧૦ ટકા આંધ્ર પ્રદેશમાં, ૫.૩ ટકા મધ્ય પ્રદેશમાં જ્યારે તેલંગાણા અને છત્તીસગઢમાં ૪.૯ ટકા નોંધાયા છે.દેશમાં થયેલી કુલ આત્મહત્યાઓની સંખ્યા ૧.૩૯ લાખ છે જે અનુસાર દરરોજ સરેરાશ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. શહેરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આત્મહત્યાનું. આત્મહત્યા કરનારાઓમાં સૌથી વધુ ૧૮,૯૧૬ મહારાષ્ટ્રમાં, ૧૩૪૯૩ તામિલનાડુમાં, ૧૨૬૬૫ પશ્ચિમ બંગાળમાં, ૧૨૪૫૭ મધ્ય પ્રદેશ, ૧૧૨૮૮ કર્ણાટકમાં નોંધાયા છે. આ પાંચ રાજ્યો કુલ આત્મહત્યાના ૪૯.૫ ટકા સંખ્યા ધરાવે છે. જ્યારે ઉત્તર પ્રદેશ કે જ્યાં દેશમાં સૌથી વધુ વસતી છે ત્યાં દેશની કુલ આત્મહત્યાના ત્રણ ટકા ઘટના સામે આવી છે.ખેડૂતો, મજૂરો, ડેલી વેજર્સ ઉપરાંત સૈન્યમાં પણ આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ગૃહ મંત્રાલય હેઠળ આવતા સૈન્ય દળના ૩૬ જવાનોએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે છેલ્લા છ વર્ષમાં આ સંખ્યા ૪૩૩ નોંધાઇ છે જે ચિંતાજનક બાબત બની રહી છે.પ્રાપ્ત આંકડા અનુસાર છેલ્લા છ વર્ષમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ના ૪૩૩ જવાનોએ આત્મહત્યા કરી લીધી હતી. ૨૦૦૧૮માં ૨૮, ૨૦૧૪માં સૌથી વધુ ૧૭૫ અને ૨૦૧૭માં ૬૦ તેવી જ રીતે ૨૦૧૬માં ૭૪, ૨૦૧૫માં ૬૦ અને ૨૦૧૯માં ૩૬ જવાનોએ આત્મહત્યા કરી લીધી હતી. આ દળમાં કુલ ૯,૨૩,૮૦૦ જવાનો છે. ગત વર્ષે આત્મહત્યા કરનારાઓમાં ૩૮ ટકાએ પરિવારના વિવાદો, ત્રણે સર્વિસ સંબંધી વિવાદોને કારણે પોતાનું જીવન ટુંકાવ્યું હતું.કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં આત્મહત્યાનો આંકડો શૂન્ય રહ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, મણીપુર, ચંડીગઢ, દમણ-દિવ, દિલ્હી, લક્ષદ્વીપ, પુડ્ડુચેરી વગેરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઇ ખેડૂતે આત્મહત્યા નથી કરી તેવો દાવો સરકારના આ આંકડામાં કરવામાં આવ્યો હતો. ડેલી વેજર્સ એટલે કે દૈનિક કમાનારા કુલ ૨૯૦૯૨ પુરુષો અને ૩૪૬૭ મહિલાઓએ આત્મહત્યા કરી લીધી છે. જે રાજ્યોમાં ડેલી વેજર્સની આત્મહત્યાની સંખ્યા વધી છે તેમાં બિહારમાં ૪૪.૭ ટકા, પંજાબમાં ૩૭.૫ ટકા, દમણ-દિવમાં ૩૧.૪ ટકા, ઝારખંડમાં ૨૫.૦ ટકા અને આંધ્ર પ્રદેશમાં ૨૧.૫ ટકાનો વધારો થયો છે. આત્મહત્યા કરનારાઓમાં ૨૩.૩ ટકા લોકો ૧૦ ધોરણ કે તેથી વધુ શિક્ષિત હતા. જ્યારે ૩.૭ ટકા ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ અભ્યાસ કરેલો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here