વલસાડમાં સરપંચની દાદાગીરી, હાઇવે પરની હોટલમાં કરી તોડફોડ

0
18
Share
Share

વલસાડ,તા.૧૦

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામના સરપંચ અને તેમના સાગરીતોની દાદાગીરીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઓરવાડ ગામના સરપંચ આશિષ પટેલ અને તેમના સાગરીતો જમવા બાબતે હાઇવે પર આવેલી એક હોટેલના સંચાલક સાથે બબાલ કરે છે. ત્યારબાદ હોટલમાં સ્ટાફ સાથે મારામારી કરી અને હોટેલમાં તોડફોડ કરી આતંક મચાવે છે.

ઓરવાડના સરપંચ આશિષ પટેલ અને તેમના સાગરીતોની ખુલ્લી દાદાગીરીની ઘટના હોટેલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ આખો મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો. જોકે, બાદમાં આ મામલે અચાનક જ બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ ગામના સરપંચ અને તેમના સાગરીતોની જમવા બાબતે લુખ્ખાગીરીનો વીડિયો વહેતો થઈ ગયો હતો.

ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી રામદેવ હોટલમાં ગામના સરપંચ આશિષ પટેલ અને તેમના સાગરીતો નિમેષ પટેલ, સુધીર પટેલ અને રાજુ હળપતિ સહિતનાઓ જમવા ગયા હતા. તેઓએ હોટલ ખાતે જમવા બાબતે અને પૈસા બાબતે હોટલના એક કર્મચારી સાથે બબાલ કરી હતી. ત્યારબાદ સરપંચ અને તેના સાગરીતોએ હોટેલ સંચાલક પર રોષ ઉતાર્યો હતો અને મારામારી કરી અને આતંક મચાવ્યો હતો.

શરૂઆતમાં હોટલના ગલ્લા પર એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં આવી અને બબાલ કરે છે, ત્યારબાદ વાત ઉગ્ર બોલાચાલી અને મારામારી સુધી પહોંચે છે. પછી સરપંચ અને તેમના સાગરીતોએ હોટલમાં આતંક મચાવ્યો હતો. વધુમાં સરપંચે તેના ગામમાંથી અન્ય સાગરીતોને બોલાવી અને હોટેલમાં ફ્રીજ, કાચના શો કેસ અને હોટેલમાં રાખેલા ટેબલ અને ખુરશીની પણ તોડફોડ કરી હતી.

સીસીટીવીમાં કેદ દ્રશ્યો જોતાં એવું પણ લાગી રહ્યું છે કે ઘટના વખતે હોટલ સંચાલકની પત્ની પણ વચ્ચે પડી હતી અને સરપંચ અને તેમના સાગરીતોને હાથ જોડીને આજીજી કરે છે. જોકે, હોટલના સંચાલકોએ પોતાના આતંક ચાલુ જ રાખ્યો હતો. જે બાદમાં હોટલ સંચાલકે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સરપંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી હતી. જોકે, આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ અચાનક જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. આ મામલાએ ગામમાં ખૂબ ચર્ચા જગાવી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here