વલસાડ,તા.૧૮
તમે કયારેય કોઈ ટુર્નામેન્ટ જીત્યા હોય તો રોકડ કે કોઈ અન્ય વસ્તુઓ આપી વિજેતાઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ વલસાડમાં વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમો ને મળેલા ઈનામથી ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડમાં કપરાડા ના કરચોડ ગામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને ઈનામમાં બકરાં અને મરઘાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે હાલ મોટો વિવાદ થયો છે. આ ટુનામેન્ટમાં ઈનામો અને વિવાદ સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા છે.
ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરચોડ ગામે વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી. નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટમાં રોકડ નહીં પણ અનોખું ઇનામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ઇનામમાં ૫૦૧ રૂપિયા સાથે ૧ બકરો ઇનામમાં અપાયો હતો. બીજા ઇનામમાં ૬ મરઘાં અને ૩૦૧ રૂપિયા ઇનામ અપાયું હતું.
ત્રીજું ઇનામમાં ૧ મરઘો અને ૧૫૧ રૂપિયા રોકડા ઇનામ સ્વરૂપે અપાયા હતા. જેના કારણે આ ટુર્નામેન્ટ ચર્ચાનો વિષય બની છે અને વાદવિવાદ શરૂ થયા છે. અત્યાર સુધી આપણે અનેક ટુર્નામેન્ટ વિશે સાંભળ્યું હશે, પરંતુ ક્યાંય આ પ્રકારના ઇનામો ટુર્નામેન્ટમાં અપાયા નથી. કરચોડ ગામે રમાયેલી ટુર્નામેન્ટમાં આ પ્રકારના ઇનામથી સૌ કોઈને ચકિત કરી દીધા હતા. આ ઘટના બાદ વાદ વિવાદ થતા જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા છે.