વર્ષાઋતુ અને સ્વાસ્થ્ય

0
34
Share
Share

આપણે ત્યાં શ્રાવણમાં ધરતી એક અનેરું અને આહ્લાદક સૌંદર્ય પ્રાપ્ત કરે છે. લીલીછમ ચાદરોથી લપેટાયેલા પહાડો અને ખેતરોની સુંદરતા તો આપણને શ્રાવણમાં જ માણવા મળે,એટલે જ બારેમાસમાં શ્રાવણને જ સર્વશ્રેષ્ઠ સુંદર માસ ગણાવ્યો છે, અને તેથી જ આ મહિનામાં વ્રત, ઉપવાસ, તહેવારોનું પ્રાચુર્ય ગોઠવાયું છે.વર્ષામાં સૂર્ય પણ દક્ષિણાયન થાય છે. આ વિસર્ગકાળ છે. પૃથ્વી પર સોમ તત્વની વૃદ્ધિનું કાર્ય આરંભાય છે. આ પહેલાંની ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય શક્તિશાળી હતો, પરંતુ વર્ષાઋતુથી ચંદ્રમાનુ બળ વધે છે, એટલે આપણે ત્યાં સમસ્ત સજીવ સૃષ્ટિમાં રસોની વૃદ્ધિનો પ્રારંભ થાય છે. પરંતુ આ ઋતુમાં એટલે કે શ્રાવણમાં પાચનશક્તિ-જઠરાગ્નિ દુર્બળ રહે છે. ગ્રીષ્મમાં સંચિત થયેલો વાયુ દોષ આ ઋતુમાં વર્ષામાં પ્રકોપ પામે છે. એટલે જ વર્ષામાં વાયુના રોગો વધારે થાય છે. આ પ્રકુપિત થયેલો વાયુ બીજા દોષ અને કફ અને પિત્તને પણ પ્રકુપિત કરે છે. એટલે આ ઋતુમાં સૌથી વધારે રોગોત્પતિ થાય છે. આ કારણથી જ ડોકટરો આ માસને ’સીઝન’ કહે છે.આમ શ્રાવણમાં જ જઠરાગ્નિની દુર્બળતા અને ત્રણે દોષોના પ્રકોપને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય જળવાઇ રહે એ માટે જ વ્રત, ઉપવાસ, એકટાણાં ગોઠવાયા હોય તેમ લાગે છે. આમ શ્રાવણમાં વાયુના પ્રકોપથી મંદાગ્નિ સ્વાભાવિક હોવાથી એક વખત ભોજન ન લેવું અથવા એકટાણા કરવા એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હિતકારક છે. આ માસમાં એક ટંક ખાનારી વ્યક્તિઓમાંનો મોટોભાગ ધાર્મિક માન્યતાથી એ પ્રમાણે વર્તે તે યોગ્ય જ છે. આમ શ્રાવણમાં એકટાણાં કરવાથી આવી વ્યક્તિઓને માનસિક રીતે પ્રસન્નતા જરૃર મળતી હશે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો તેના દેહને માટે એ ખૂબ જરૃરી છે.આ માસમાં મંદાગ્નિથી આહારનું પર્યાપ્ત પાચન થતું નથી, એટલે તે વિદગ્ધ પાત્રો છે. આ વિદગ્ધ થયેલો આહાર જછાતીમાં અને ગળામાં બળતરા- વિદાહ કરે છે. એટલે આ ઋતુમાં ક્ષારીય ઔષધો અને પાચક ચૂર્ણ લેવાની સલાહ આપી છે. મંદાગ્નિની આવી તકલીફોથી બચવા એક ટંકનો આહાર છોડી દેવાય તો શારીરિક તેમજ માનસિક શાંતિનો અનુભવ થાય. જે લોકો પ્રચલિત માન્યતાઓને આધીન થઇને ઉપવાસ,એકટાણાં કરે છે. તેમની મશ્કરી કે ઊપહાસ હવે આ વૈજ્ઞાાનિક યુગમાં થઇ શકે છે. પરંતુ સમજુ માણસોએ તેમાં રહેલા સ્વાસ્થ્ય રહસ્યોને સમજીને તેને અપનાવવામાં જ ડહાપણ છે. શ્રાવણ મહિનામાં એકટાણાં કરવાનું નુકસાન નથી. આમ છતાં જે લોકો જીભની લોલુપતાથી જો એકટાણાં ન કરી શકે, તેમણે વરસાદના દિવસોમાં અથવા જ્યારે મંદાગ્નિથી ભૂખ ન લાગે ત્યારે એકટાણા કરવા જોઇેએ. આ ઋતુમાં પાચનતંત્રના રોગોથી બચવા માટે ઉપવાસ, એકટાણાં એ અમોઘ શસ્ત્ર અથવા ઉત્તમ ઔષધ છે. તેનાથી આહારનું ઉચિત પાચન થાય છે અને અનેક બીમારીઓ સામે તે અભેદ્ય કવચ બને છે. આમ તો શ્રાવણમાં વરસાદ, વાદળાં અને ઠંડી હવા વાતાવરણને શીતળ રાખે છે અને ઠંડુ વાતાવરણ ભૂખ લગાડવા માટે સારુ ંગણાવાય છે. છતાં આ ઋતુની ઠંડી જઠરાગ્નિનેપ્રબળ સતેજ કરી શકતી નથી. જેથી આ ઋતુમાં જઠરાગ્નિની મંદતા રહે છે. એટલે જ આ ઋતુમાં જઠરાગ્નિની દુર્બળતા અને ત્રણે દોષોનો પ્રકોપ, આ બાબતોને ધ્યાનમાં રાખીને આહાર-વિહારની યોજના કરવી જોઇએ. જેથી વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષોનું શમન થાય.આ ઋતુમાં કાળના સ્વભાવથી વાયુનોપ્રકોપ સૌથી વધારે હોય છે, જેથી મંદાગ્નિ અવશ્ય હોય છે. આવા મંદ જઠરાગ્નિ માટે મધુર, અમ્લ અને લવણ આ ત્રણ રસવાળા આહાર દ્રવ્યો વધારે હિતાવહ બને છે. આહાર દ્રષ્યો વધારે સ્નિગ્ધ અને ઉષ્ણ હોય તો વાયુની શાંતિ કરે છે. જૂના ધાન્યનો કે પચવામાં હલકાં જૂના ચોખાનો જ ઉપયોગ કરવો જોઇએ. આ સિવાય પણ ઘઉં, જુવાર, બાજરી, જવ કોદરી જેવા ધાન્યો જૂના જ વાપરવા જોઇએ. દ્રાક્ષાસવ, મધનું સેવન હિતાવહ છે. દૂધ, દહીં, છાશનો ઉપયોગ પણ શ્રાવણમાં સારો છે. દૂધમાં સહેજ સૂંઠ નાખવી, ચામાં પણ સૂંઠ નાખવી જેથી જઠરાગ્નિ સતેજ થાય. તાજા મોળા દહીં-છાશમાં સૂંઠ, પીપર કે ગંઠોડાનું થોડું ચૂર્ણ નાખી ઉપયોગ કરવો.શ્રાવણમાં જો અનરાધાર વરસાદ પડતો હોય તો ખાટું, લવણયુક્ત, સ્નિગ્ધ અને પચવામાં હલકું પડે એવું ભોજન લેવું. વર્ષાઋતુમાં દહીંને પથ્ય કહેલું છે. સંચળ, મીઠું અથવા પંચકોલ નાખીને દહીંનો ઉપયોગ કરવો. વરસાદના ઠંડા વાતાવરણમાં ઘણાં લોકો દહીં અને છાશને ઠંડા માનીને તેનો ોઉપયોગ કરતા ડરે છે. પરંતુ વાચક મિત્રો તમને ખબર છે ? આયુર્વેદના તમામ ગ્રંથોમાં દહીંને ઠંડુ નહીં, પણ ઉષ્ણ કહ્યું છે. તેથી વર્ષામાં અને શિયાળામાં તેનું સેવન સૌથી વધારે હિતાવહ છે. આ સીઝનમાં પાણી કેવું પીવું ? તો એ વિશે કહેવાયું છે કે થોડી સૂંઠ અથવા ગંઠોડા નાખીને સારી રીતે ઉકાળીને ઠંડુ કરેલું જ પાણી પીવું. વર્ષા ઋતુના રોગોથી બચવા આ પાણી વધારે હિતાવહ છે. વરસાદમાં પલળી જઇએ ત્યારે તો આવું ઉષ્ણ ઔષધયુક્ત જ પાણી પીવું સ્વાસ્થયપ્રદ બને છે. આવી જ રીતે વર્ષાઋતુમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોવાથી નીચે સુવાની મનાઇ છે. સગવડ હોય તેમણે તો પલંગ પર જ સૂવું જોઇએ. એ જ પ્રમાણે ચોમાસામાં ખુલ્લાં પગે ચાલવાની મનાઇ છે. બૂટ, ચપ્પલ વગર ચાલવું નહીં. ખુલ્લાં પગે ચાલવાથી મરડા જેવા રોગો અનેે આંગળીઓના વચલા ગાળામાં ફુગથી સડો થવાની શક્યતા રહે છે.
વર્ષાઋતુમાં દિવસની ઊંઘ, મેદ, કફ અને પિત્ત વધારે છે. એટલે આ ઋતુમાં દિવસે ઊંઘવાની મનાઇ છે. પ્રકૃત્તિએ આ ઋતુમાં પુષ્કળ ખાટાં ફળો આપ્યાં છે. તેનો ઉપયોગ શ્રાવણમાં હિતાવહ છે. લીંબુ દાડમ, સફરજન,આલુબુખારા, પાઇનેપલનો ઉપયોગ કરો. ભૂખ ઓછી લાગતી હોય તો લીંબુના અડધા ફાડિયાને ગરમ કરી તેના પર અડધી ચમચી હિંગાષ્ટક અથવા લવણભાસ્કર અથવા શીવાક્ષર અથવા વડવાનલ ચૂર્ણમાંથી કોઇ પણ એક નાખી તેને ધીમે ધીમે ચૂસવાથી ભૂખ સારી લાગશે અને વાયુનો પ્રકોપ શાંત થશે. દાળ-શાકમાં પણ તમે લીંબુ નાખો કે જેથી આહાર સુપાચ્ય બને. પાચક રસ ઉત્પન્ન કરતા આહાર દ્રવ્યોમાં તમે લીંબુ, આદુ, મૂળા, કરમદા, લસણ, ડુંગળી, કોથમીર, મીઠો લીમડો, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, ગંઠોડા, સૂંઠ, કાળામરી, મરચાં, વરિયાળી, ધાણાજીરૃ, ફૂદીનો, આંબાહળદર, રાઇ, મેથી, હીંગ વગેરેમાંથી જે મળે તેનો વિધિવત ઉપયોગ કરવો. આ ઋતુમાં અનેક પ્રકોપને લીધે શરીરના કોઇ પણ ભાગમાં પીઠ, પડખાં, સાથળ, પીંંડીઓ વગેરેમાં દુઃખાવો થવાની પૂરી શક્યતા રહે છે. જો આવો દુઃખાવો થાય તો તે સ્થાન લશુનાદિ તેલ કે સરસવના તેલથી હળવા હાથે માલીશ કરવું. અજમો નાખી ઉકાળેલા તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે.વર્ષાના પ્રારંભથી જ રોજ અડધું લીંબુ એક ગ્લાસ પાણીમાં નાખી પીવું. તેમાં અડધી ચમચી હિંગાષ્ટક કે લવણભાસ્કર ચૂર્ણ નાખવું. આ પ્રયોગથી પેટની ઘણી વિકૃતિઓથી બચી જવાશે. રોજ સવારે અને રાતે એક એક સુદર્શન ધનવટી અને આરોગ્યવર્ધિની લેવાથી અનેક પ્રકારના તાવથી બચી શકાય છે.વર્ષાનો પ્રારંભ થઈ ચૂકયો છે. આ ઋતુ આહલાદક તો છે જ પણ રોગો માટે પણ આ ઋતુ મહત્વની માનવામાં આવે છે. આ ઋતુમાં સ્વાભાવિક જ ઠંડી, પવન, ભેજ, વાતદોષ અને અમ્લરસની વૃધ્ધિ થાય છે. તેથી આ ગુણોથી વિપરીત એવા ગુણવાળી ચીજો લેવાનો સિધ્ધાંત છે.આ ઋતુમાં વાતદોષનો પ્રકોપ થાય છે. તેની શાંતિ માટે ઉષ્ણ, સ્નિગ્ધ અને મધુર ચીજવસ્તુઓ વાપરવી જોઇએ. મધુર, અમ્લ અને લવણરસમાં વાતદોષની શાંતિ કરવાનો ગુણ રહેલો છે. આ ઋતુમાં હોજરીની પાચન શક્તિ ખૂબ નબળી હોઇ આ ઋતુમાં વધારે મધુર રસ કે અમ્લરસની ચીજો અનુકૂળ આવતી નથી.આ ઋતુમાં ગરમાગરમ તેલમાં તળેલી, ખાટી, ખારી અને તીખી ચીજવસ્તુઓ ખાસ લેવી જોઈએ. કોઇ પણ સંજોગોમાં ઠંડી, વાસી અને ખૂબ ભારે ચીજો ન લેવી જોઇએ. આ ઋતુમાં બને ત્યાં સુધી જૂના ધાન્યો ખાવા. આ ઋતુમાં ગોળ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય પ્રદ છે, તેથી તેની બનાવટો લઇ શકાય છે. લવણયુક્ત ચીજો પણ હિતાવહ છે.આ ઋતુમાં મોડી રાત્રે ભોજન કરવું નુકસાનકારક છે. આ ઋતુમાં જૂના ઘઉં, ચોખા, મગ, મઠ, તુવેર, અડદ, ચણાની દાળ વગેરેની બનેલી ચીજો લેવી જોઈએ. શાકભાજીમાં ડુંગળી, બટાટા, સુરણ, સરગવો મેથી, ગાજર, કોળું, પરવળ વગેરે લઇ શકાય. મસાલામાં આદુ, લસણ, અજમો, ફુદીનો, જીરુ, તજ, તુલસી, મરચા, મરી, હિંગ, સિંધવ, લવિંગ, પાકી આમલી વગેરે લઇ શકાય છે. ફળોમાં કેરી, લીંબુ, જાંબુ, દાડમ, મોસંબી, નાસપતિ વગેરે બપોરનાં ભોજન પછી લઇ શકાય. આ ઋતુમાં તલનું તેલ છૂટથી વાપરવું જોઇએ.તલનાં તેલનાં અભાવે મગફળીનું તેલ તથા ઘી વાપરવું. આ ઋતુમાં તળેલી ફરસાણની ચીજો પણ લઇ શકાય છે.જેમની પાચન શક્તિ નબળી હોય તેમણે ભોજન પૂર્વે અને પછી હિંગાષ્ટક ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ, દ્રાક્ષાસવ, અગ્નિતુંડીવટી, શંખવટી જેવી દવાઓ વાપરવી જોઇએ.જેમને વાયુ-ગેસનાં ઉપદ્રવો વધારે રહેતા હોય તેમણે આ ઋતુમાં લસણ, હિંગ તથા લીંબુનો સવિશેષ ઉપયોગ કરવો જોઇએ. આ ઋતુમાં અત્યંત રુક્ષ પદાર્થોનું સેવન પણ ના કરવું જોઇએ. તેનાથી પણ દોષ વધે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here