વડોદરા: સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં ધાંધિયા થતા સુપ્રિટેન્ડેટની બદલીના મળ્યા આદેશ

0
21
Share
Share

વડોદરા,તા.૩૦

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં ભારે ધાંધિયા અને બેદરકારીના આક્ષેપો બાદ આખરે સરકાર દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજીવ દેવેશ્વરની બદલી કરી દેવામાં આવી છે.સરકારે આજે સાંજ પછી બહાર પાડેલા આદેશ પ્રમાણે ડો.દેવેશ્વરની તાત્કાલિક અસરથી બદલી કરીને તેમની હિંમતનગર ખાતેની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીનની ખાલી જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે. તેમની જગ્યાએ મેડિક કોલેજના ઈએનટી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.રંજન ઐયરને સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે.

સરકારે ડો.દેવેશ્વરને તાત્કાલિક અસરથી ચાર્જ છોડીને બદલીની જગ્યાએ હાજર થવા માટે પણ આદેશ કર્યો હોવાથી ખળભળાટ મચી ગયો છે. કોરોનાની મહામારી વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં ઘોર બેદરકારીને લઈને છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ ચાલી રહ્યો છે.હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન સપ્લાયના ફાંફા પડતા હોવાથી માંડીને બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા હતા.

જેના પગલે ડો.દેવેશ્વરને વડોદરામાં કોરોનાને લઈને ફરજ પરના ખાસ અધિકારી તરીકે નિમાયેલા ડો.વિનોદ રાવે નોટિસ પણ ફટકારી હતી. સયાજી હોસ્પિટલના અંધેર વહિવટીની તપાસ કરવા માટે ડો.રાવે બનાવેલી કમિટીએ પણ હોસ્પિટલમાં ચાલતી અનિયમિતતાઓનો ખુલાસો કરતો અહેવાલ ડો.રાવને સુપરત કર્યો હતો.એવુ મનાય છે કે, ડો.રાવે નોટિસ ફટકાર્યા બાદ શુક્રવારે સયાજી હોસ્પિટલમાં યોજાયેલી એક બેઠકમાં જાહેરમાં જ ડો.દેવેશ્વરનો ઉધડો પણ લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here