વડોદરા: મહિલા ડોક્ટરને હાથમાં બચકું ભરીને ફોન ફેંકી દીધો

0
12
Share
Share

હોમિયોપેથી ડોક્ટરે ૪ વર્ષ પહેલા વ્રજસિધ્ધિ ટાવરમાં પાંચમા માળે બે દુકાન નવ હજારના ભાડા પર રાખી હતી

વડોદરા,તા.૨૭

વડોદરા શહેરમાં આવેલા રાજમહેલ રોડ પરના વ્રજસિધ્ધિ ટાવર બિલ્ડર પુત્રીની દાદાગીરીની ઘટના સામે આવી છે. અહીં ટાવરમાં ઓફિસ ભાડે રાખી ક્લિનિક ચલાવતા મહિલા ડોકટર સાથે બિલ્ડરની દીકરીએ ઝઘડો કરીને બચકુ ભરી સામાન લઈ જવા દીધો ન હતો. જે અંગે મહિલા ડોક્ટર દ્વારા નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની વિગતો મુજબ, સમા-સાવલી રોડ પર હાઈસ્કુલમાં રહેતા હોમિયોપેથી ડોકટર મેઘા પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં વડોદરાના બિલ્ડર અશ્વિન પટેલ ઉર્ફે અશ્વિન બાપુની પુત્રી પ્રિયા તેમજ તેની ઓફિસમાં નોકરી કરતાં આદિત્ય દૂબે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર મેઘાએ ફરિયાદમાં જણાવ્યું કે, હાલમાં તે હરણી વારસિયા રીંગ રોડ પર ઓમ પોલિ ક્લિનિક ચલાવે છે. ચાર વર્ષ પહેલા વ્રજસિધ્ધિ ટાવરમાં પાંચમા માળે બે દુકાન પ્રિયા પટેલ પાસેથી માસિક ૯૦૦૦ રૂપિયાના ભાડા પર રાખી હતી. આ ક્લિનિકનું બાકીનું ભાડુ તથા વેરાના રૂપિયા ૧.૩૫ લાખ ૨૧મી ડિસેમ્બરે પ્રિયા પટેલના કહેવાથી તેમની ઓફિસમાં કામ કરતાં આદિત્ય દૂબેને આપી હિસાબ ચૂકતે કરી નાખ્યો હતો. ડોક્ટર મેઘા વધુમાં જણાવે છે કે, ગઈકાલે હું મારી બહેનપણી આરતી પરમારની સાથે ક્લિનિકનો સામાન લેવા માટે ટેમ્પો લઈને ગઈ હતી. પ્રિયા પટેલ પાસે ઓફિસની ચાવી માંગતા તેમને એવો જવાબ આપ્યો હતો કે ચાવી ઘરે છે. આથી મેં તેમને ચાવી મંગાવી આપવા માટે કહ્યું. જેના પર પ્રિયા પટેલ મારી મમ્મી સાથે વાત કરવાની માગણી કરતા મેં ફોન લગાવીને તેમને આપ્યો હતો. ડોક્ટર મેઘા ફરિયાદમાં જણાવે છે કે, આ દરમિયાન પ્રિયા પટેલે મારી મમ્મી સાથે મન ફાવે તેમ વાતો કરતા મેં મારો મોબાઈલ ફોન પાછો માંગ્યો હતો. હું ફોન લેવા ગઈ તો પ્રિયા પટેલે મને ડાબા હાથે બચકુ ભરી લીધુ હતું. જ્યારે આદિત્ય દૂબેએ મને ધક્કો માર્યો હતો. તેમને મારો સામાન પણ ક્લિનિકમાંથી બહાર કાઢવા દીધો ન હતો. અને મારો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. હાલમાં ડોક્ટર મેઘા દ્વારા નવાપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here