વડોદરા પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના બે કામ માટે આવેલા ભાવપત્રોમાં એક જ ઇજારદારનું ઉંચા ભાવે ટેન્ડરને લઈને વિવાદ

0
17
Share
Share

વડોદરા, તા.૧૭

આજે પાલિકાની મળનારી સ્થાયી સમિતિની બેઠક અગાઉ વધુ એક વાર વિવાદ ઉભો થયો છે. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવનાર આવાસોની કામગીરી માટેનો ઈજારો તથા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખાનું નાલંદા ટાંકી ખાતે કામ કરવા માટે આવેલ ભાવપત્રોમાં એક જ ઇજારદારનું ટેન્ડર આવ્યું છે. ટેન્ડર પણ ખૂબ ઊંચા ભાવે આવ્યું હોવાથી સમગ્ર કામ સામે પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વાંધો ઉઠાવ્યો છે અને નવેસરથી ઓફરો માંગવાની કમિશનર સમક્ષ માંગ કરી છે.

પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં વ્યાજબી કિંમતમાં આવાસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અટલાદરા કલાલી સર્વે નંબર ૫૮૫ પૈકી પ્લોટની કામગીરી માટે કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યા હતા. અહીં ઇડબલ્યુએસ-૨ પ્રકારના ૩૫ ચોરસ મીટર કાર્પેટ એરિયાના આવાસો બનાવવાનો નેટ અંદાજ રૂ.૧૫૮ કરોડ મુકવામાં આવ્યો હતો. જેમાં ૧૯૦૦ આવાસ તૈયાર કરવામાં આવશે. સમગ્ર કામ માટે એકમાત્ર ઇજારદારનું અંદાજીત રકમથી ૭.૯૮ ટકા એટલે કે લગભગ આઠ ટકા વધુનું ભાવપત્ર રૂ.૧૭૧ કરોડનું આવ્યું હતું. સમગ્ર કામગીરી કરવા માટે ઇજારદારને કામ આપવા અંગે આજે સાંજે મળનાર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

નાલંદા ટાંકી ખાતે ભૂગર્ભ રૂમ, ટ્રાન્સફોર્મર, ફિડર લાઈન નાખવા તથા ત્યાંનું ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પંપીંગ મશીનરી ઇન્સ્ટોલ કરવા સાથેના કામ માટે રૂપિયા ૪.૪૩ કરોડના અંદાજિત ભાવથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં એકમાત્ર ઇજારદારનું ભાવપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. ભાવપત્ર પણ નેટ અંદાજિત કિંમતથી લગભગ ૪૦ ટકા વધુ એટલે કે ૩૯.૨ ૮૩% ઉંચી કિંમતે સ્થાયી સમિતિમાં રજૂ કરાયું છે. જો આ કામ ઇજારદારને અપાશે તો પાલિકાએ રૂપિયા ૬.૧૯ કરોડ ચૂકવવા પડશે. આ કામ માટે પણ સિંગલ ઇજારદારનો ભાવપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. બંને મોટી કિંમતના ઇજારા આપવાના કામ માટે સિંગલ ઇજારદારના ભાવપત્રો મંજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ થયા હોય કોંગ્રેસ પાર્ટી દ્વારા એનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ માટે ફરીથી ટેન્ડર તથા હાલ પૂરતું કામ મુલત્વી કરવાની કમિશનર સમક્ષ માંગ કરી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here