વડોદરા: ડેન્ગ્યુ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી’ તેવું કહેવું વીમા કંપનીને પડ્યું ભારે

0
9
Share
Share

વડોદરા,તા.૩૦

ડેન્ગ્યુ જેવી બીમારી કે જે દર્દીઓ માટે જીવલેણ બની શકે છે, તે માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અને તેને આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ સારવાર દ્વારા ઠીક કરી શકાય છે, તેવું દર્દીઓ માને તેમ જાહેર ક્ષેત્રની વીમા કંપની અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર ઈચ્છે છે. વડોદરાના નવાપુરામાં રહેતા એક નાગરિક કે જેમના દીકરાને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમણે વડોદરાની ગ્રાહક કોર્ટનો આશરો લેતાં, કોર્ટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને એમડી ઈન્ડિયા હેલ્થકેર ટીપીએ પ્રાઈવેટ લિમિટેડને આવી ખરાબ મેડીકલ એડવાઈઝ આપવા બદલ અને ક્લેમ ફગાવવા બદલ આડેહાથ લીધી હતી. વીમા કંપનીએ કિર્તિ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૩,૭૮૩ રૂપિયાના ક્લેમને ફગાવ્યો હતો.

કિર્તિ પટેલના દીકરા મનનને નવેમ્બર ૨૦૧૭માં અટલાદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મનનને ડેન્ગ્યુ અને બાયસીતોપેનીયાની સાથે લોહીમાં એરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ્‌સ અને પ્લેટલેટ્‌સની ઉણપ હોવાનું નિદાન થયું હતું. તેને ૩ દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ ડિસ્ચાર્જ કરાયો હતો. પરંતુ કંપનીનું કહેવું હતું કે, બંને બીમારીની સારવાર ઓપીડી ટ્રિટમેન્ટથી થઈ શકે છે અને આ માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. કંપનીએ ક્લેમ રિજેક્ટ કર્યા બાદ પટેલે સારવાર પાછળ ખર્ચ કરેલી રકમ તેમજ માનસિક ત્રાસ બદલ વળતર મેળવવા માટે વડોદરા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્‌સ રિડ્રેસલ ફોરમ (વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર મંચ)નો સંપર્ક કર્યો હતો.

‘કેસની સુનાવણી દરમિયાન પણ વીમા કંપની અને ટીપીએ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે ડેન્ગ્યુ તેમજ બાયસીતોપેનીયાની સારવાર ઓપીડી દ્વારા પણ કરી શકાય છે અને આ માટે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી. પરંતુ પટેલે ડેન્ગ્યુ અને બાયસીતોપેનીયાની સારવાર માટે ડોક્ટરે જે વાત કહી હતી તે સંદર્ભના મેડિકલ પેપર રજૂ કર્યા હતા’, તેમ પટેલના વકીલ જિગ્નેશ ચૌહાણે કહ્યું. ડી. વાય. મલિકની અધ્યક્ષતાવાળા ફોરમે વીમા કંપની અને ટીપીએની દલીલોને ફગાવી દીધી હતી અને ખરાબ મેડિકલ સલાહ આપવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે ૮ ટકાના વ્યાજદર સાથે સારવારનો ખર્ચ તેમજ ૨૫૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here