વડોદરા: કરજણમાં ૭ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

0
13
Share
Share

પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર યુવાનની ધરપકડ કરી

વડોદરા, તા.૧૭

વડોદરાના કરજણ તાલુકાના સાંગાડોલ ગામમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી તેનું અપહરણ કરી યુવાને દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. સાંગાડોલ ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં દુષ્કર્મની ૭ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં ૪ બાળકી, એક વિદ્યાર્થિની, ૪ યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.

કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, શિનોર તાલુકાના દિવેર ગામનો વતની કાર્તિક કાલિદાસ વસાવા મજૂરીકામ માટે કરજણ તાલુકાના સાંગાડોલ ગામમાં ગયો હતો અને ત્યાં આવેલા વસાવા ફળિયામાં ભાડાના મકાનમાં રહેતો હતો. તા.૧૫ ઓક્ટોબરના રોજ બપોરે ચાર વાગ્યાના સુમારે કાર્તિક વસાવાએ ફળિયામાં રહેતી સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી. ચોકલેટની લાલચે આવી પહોંચેલી બાળકીને પટાવી તેનું અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ ફળિયામાં આવેલા મણિભાઇ ખોડાભાઇ વસાવાના મકાનમાં લઇ ગયો હતો. કાર્તિક વસાવાએ બાળકીને ચોકલેટ આપીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. એ બાદ તેણે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીથી પીડા સહન ન થતાં તે રડવા લાગતાં કાર્તિક તેને ઘરમાં મૂકીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન બાળકી રડતાં-રડતાં ઘરની બહાર આવી હતી. ફળિયાના લોકોએ બાળકીને રડતાં જોતાં એનું કારણ પૂછ્યું હતું. બાળકીએ રડતાં-રડતાં પોતાની સાથે કાર્તિક વસાવાએ કરેલા દુષ્કર્મની વાત કરતાં ફળિયાના લોકો ચોંકી ઊઠ્યા હતા. જોતજોતાંમાં આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

બનાવ અંગે પીડિતાના પરિવારે કરજણ પોલીસ મથકમાં કાર્તિક વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પી.આઇ. એ.એ. દેસાઇએ ફરિયાદના આધારે ટીમો રવાના કરીને ગણતરીના કલાકોમાં યુવાનને દબોચી લીધો હતો. પોલીસે કાર્તિક સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાત વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મના બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

વડોદરા શહેરમાં છેલ્લા ૧ મહિનામાં દુષ્કર્મની ૭ ઘૃણાસ્પદ ઘટનાઓ સામે આવી છે, જેમાં બાળકીઓ, યુવતીઓ અને વિદ્યાર્થિની મળીને કુલ ૮ પીડિતા ભોગ બની છે. ૪ બાળકી, એક વિદ્યાર્થિની, ૪ યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. આમ, વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં દર ૫ દિવસે એક દુષ્કર્મની ઘટના બની છે. આ ઘટનાઓમાં લગ્નની લાલચે અને નોકરીનાં સ્થળોએ શોષણ થયું હોવાનું સામે આવ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here