વડોદરામાં શુભ દિવસે બજારો ફરીથી શરૂ થયા, સંવત-૨૦૭૭નું વર્ષ સારૂ રહેવાની વેપારીઓને આશા

0
18
Share
Share

વડોદરા,તા.૧૯
આજે લાભ પાંચમના શુભ દિવસે વડોદરા શહેરના બજારો ફરીથી શરૂ થયા હતા. નવા વર્ષના દિવસે મુહુર્ત કરીને નાના-મોટા વેપારીઓએ બજારો બંધ કર્યાં હતા. લાભ પાંચમના દિવસથી બજારો શરૂ થતાં વડોદરા શહેરના માર્ગો પણ વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. વડોદરા શહેરના નવાબજારમાં વાસણ ભંડારનો ધંધો કરતા સંજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વિદાય લેનાર વિક્રમ સંવત-૨૦૭૬ના વર્ષમાં ધંધામાં મંદી રહી હતી. ધંધામાં મંદી રહેવા પાછળ કોરોના જવાબદાર હતો. પસાર થયેલા વર્ષમાં દિવાળીના અંતિમ દિવસ સુધી ઘરાકી ન હતી. દિવાળીના સમયમાં ધંધો નબળો રહેવા પાછળ બેરોજગારી પણ જવાબદાર છે.
આશા રાખીએ છે કે, વિક્રમ સંવત-૨૦૭૭ સારૂ રહે. આજે ૫ દિવસ બાદ લાભ પાંચમના દિવસે બજારો શરૂ થયા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત દેવ ઉઠી અગિયારસથી લગ્નસરાની મોસમ શરૂ થઇ રહી છે. આ વર્ષે લગ્નના મુહુર્ત સારા છે. વેપારીઓને આશા છે કે, લગ્નસરાની મોસમમાં ધંધો નીકળશે. પરંતુ, જો આર્થિક મંદીમાં સુધારો નહીં થાય તો નાના-મોટા વેપારીઓની હાલત ખરાબ થઇ જશે. અનેક વેપારીઓને ધંધા બંધ કરી દેવા પડશે. અથવા તો ધંધા બદલવાની ફરજ પડશે. ધંધો ન થવાના કારણે શો-રૂમના ભાડા, વીજ બીલ અને માણસોનો પગાર કાઢવો પણ મુશ્કેલ થઇ જાય છે.
નવા વર્ષે શુભ મૂહુર્ત કર્યાં બાદ વેપારીઓ દ્વારા દુકાનો અને શો-રૂમો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુખ્ય માર્ગો સુમસામ થઇ ગયા હતા. માર્ગો ઉપર વાહનોની અવર-જવર પણ ઓછી થઇ ગઇ હતી. આજે લાભ પાંચમના દિવસે બજારો ખુલતા પુનઃ માર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. કેટલાક વેપારીઓ દ્વારા લાભ પાંચમના દિવસે વેપારના મૂહુર્ત કરીને ધંધાની શરૂઆત કરી હતી. વેપારીઓ દ્વારા દુકાનો અને શો-રૂમોને ફૂલોથી શણગારી હતી અને વિધિવત પૂજા-અર્ચના કરીને નવું વર્ષ વેપાર-ધંધામાં સારુ જાય તેવી પ્રાર્થના સાથે શરૂઆત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here