વડોદરામાં ફરામજીની ચાલીમાં જમવા બાબતે તકરાર, પુત્રએ માતા અને બહેનને ચપ્પુ માર્યું

0
31
Share
Share

વડોદરા,તા.૨

વડોદરા શહેરની ફરામજીની ચાલીમાં જમવા બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા અને બહેનને ચપ્પુના ઘા મારતા સ્થાનિકોએ માતા અને પુત્રીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે હુમલાખોર પુત્રની અટકાયત કરી હોવાની વિગતો સાંપડી છે. વડોદરા શહેરના સેન્ટ્રલ બસ ડેપોની બાજુમાં આવેલી ફરામજીની ચાલીમાં રહેતા પ્રતિભાબેન દલવી વિધવા જીવન ગુજારે છે અને તેમની માતા દેવિકાબેન સાથે રહે છે.

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, સોમવારે હું ઘરે હતી તે સમયે મારો મોટો ભાઈ પંકજ ઉત્તેકર ઘરે આવ્યો હતો અને જોર જોરથી બૂમો પાડીને માતા પાસે જમવાનું માંગ્યું હતું, જેથી માતાએ જણાવ્યું હતું કે, થોડીવાર બેસ જમવાનું આપું છું, ત્યાર બાદ પંકજે જણાવ્યું હતું કે, તમે મારી દીકરીને સાચવતા નથી અને બહેનની દીકરીને બધુ લઈ આપો છો, જેથી હું મારી દીકરીને હમણા મારી નાખું છું.

તેમ કહી ઉશ્કેરાટમાં આવીને તે રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો. પોતાની દીકરીના મારવા જતા બહેન પ્રતિભાબેન અને માતા દેવિકાબેન વચ્ચે આવતા આવેશમાં આવીને પંકજે ચપ્પુ બહેન અને માતાને મારી દીધું હતું. આ બનાવના પગલે દોડી આવેલા પાડોશીઓએ લોહીલુહાણ હાલતમાં માતા-પુત્રીને હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં પ્રતિભા બેનને પીઠના ભાગે ચપ્પુ વાગવાથી તેમજ માતાને જમણા હાથે ચપ્પુ વાગવાથી ટાંકા લેવાની નોબત આવી હતી. હાલ માતા-પુત્રી સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે પુત્ર વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here