વડોદરા,તા.૨
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આગામી અઢી વર્ષ માટે મેયર માટે આદિજાતિ (એસટી) ઉમેદવારોની બેઠક નક્કી કરી છે, પરંતુ, રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ રાજ્ય સરકાર આ રોટેશનમાં ફેરબદલ કરી શકે છે. જો સરકાર આ બાબતને મંજૂરી આપે છે, તો કદાચ આગામી અઢી વર્ષ માટે મેયરના હોદ્દા પર આદિજાતિના વિજેતા ઉમેદવારને મેયર નહીં બનાવાય. દર વર્ષે પાલિકાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દ્વારા મેયરપદના ઉમેદવાર માટે અઢી વર્ષ લેખે સામાન્ય, મહિલા, એસ.સી.-એસ.ટી. વિજેતા કોર્પોરેટર માટે મેયરપદની બેઠક રિઝર્વ હોવાની જાહેરાત કરાતી હોય છે.
દર વખતે પાલિકાની ચૂંટણી અગાઉ આ જાહેરાત થઈ જતી હોય છે, જેથી બેઠકોની ફાળવણી આ રોટેશનના આધારે થઈ શકે, પરંતુ, આ વર્ષે હજી સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉના રોટેશનને ધ્યાનમાં લેતા આગામી નવા બોર્ડમાં પ્રથમ અઢી વર્ષ માટે આદિજાતિના વિજેતા ઉમેદવાર પર મેયર તરીકેની પસંદગીનું કળશ ઢોળવામાં આવશે. એટલું જ નહીં હાલ વોર્ડ નં-૧૫માં એકમાત્ર પુરુષ ઉમેદવારની આદિજાતિની બેઠક હોવાથી આ બેઠક પરથી ૨૪ આદિજાતિના દાવેદારોએ ભાજપમાંથી ટિકીટ માગી છે.
જેમાંથી વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં-૧૫માં કુલ ૪૯ દાવેદારોએ ભાજપમાંથી ટિકિટની માંગણી કરી છે. જે પૈકી પુરુષ માટે ૨૪, સામાન્ય પુરુષ બેઠક માટે ૧૦ તથા સામાન્ય બે મહિલા બેઠક માટે ૧૫ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે.