વડોદરા,તા.૨૬
લોકો પાસેથી ઉછીનાં નાણાં લઈને ઘરનું ગુજરાન ચલાવતા પતિથી ત્રાસી ગયેલી પરિણીતાએ પતિ સામે વડોદરામાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે પત્નીના ૮ તોલા સોનું અને રૂપિયા ૧,૨૦,૦૦૦ રોકડા પણ પતિએ પડાવી લીધાં હતાં. બીજા લગ્ન પછી પણ સાંસારિક જીવનના સુખથી વંચિત રહેલી પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પતિ નોકરી-ધંધો કરતો નથી અને લોકો પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં પરત કરવા ન પડે એ માટે એક શહેરથી બીજા શહેરમાં રહેવા માટે લઈ જાય છે.
બીજા પતિ સાથે સાંસારિક જીવન સારું જશે, એવી આશાએ બીજા લગ્ન કર્યા, પણ તેમાં પણ સુખ ન મળતાં પરિણીતાએ ઉછીનાં નાણાં લઇને ઘરનું ગુજરાન ચલાવવા માટે ટેવાયેલા બીજવર પતિ ત્રીજી કોઇ મહિલાની જિંદગી બરબાદ ન કરે એ માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, વડોદરાના ડભોઇ રોડની રહેવાસી હેતલબહેનનું પ્રથમ લગ્ન વર્ષ-૨૦૦૭માં થયું હતું.
સાત વર્ષના પ્રથમ લગ્નજીવન દરમિયાન દીકરી દીશાનો જન્મ થયો હતો. પ્રથમ પતિ સાથે અણબનાવ બનતાં વર્ષ-૨૦૧૪માં તેમણે છૂટાછેડા લઇ લીધાં હતાં. એ બાદ તેમણે વર્ષ-૨૦૧૫માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગણેશપુરા પ્રાથમિક શાળાની પાછળ રહેતા અલ્પેશ પરસોતમભાઈ થંબુડિયા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. અલ્પેશના પણ બીજા લગ્ન હતા અને તેને પ્રથમ પત્નીની પુત્રી કાવ્યા છે.