વડોદરામાં ધન્વંતરી રથ શરૂ કર્યાને ૧૦૦ દિવસો પૂર્ણ, ૫ લાખથી વધુ લોકોએ તેની આરોગ્ય સેવાઓનો લાભ લીધો

0
66
Share
Share

વડોદરાતા.૧૦

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કોવિડ મેનેજમેન્ટથી સારા પરિણામો મળ્યા

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકારની આરોગ્ય સહાયતાથી વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ૬ મહિનાથી સઘન કોવિડ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના હવે સારા પરિણામો મળી રહ્યાં છે. ડો.વિનોદ રાવે જણાવ્યું કે લોકોને ઘર સમીપ આરોગ્ય સેવાઓ મળી રહે અને ખાસ કરીને કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા શરદી, ખાંસી, તાવ અને કફના કેસોમાં ત્વરિત સારવાર આપી શકાય તે માટે જુલાઇથી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી રથોએ શુક્રવારે કામગીરીના પ્રથમ ૧૦૦ દિવસ પૂરા કર્યા જે દરમિયાન ૫ લાખ થી વધુ લોકોએ તેની આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે.૬ મહિનાની સઘન અને વ્યૂહાત્મક આરોગ્ય કામગીરીના પગલે છેલ્લા ૧૦ દિવસ દરમિયાન તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં શંકાસ્પદ રોગીઓની ભાળ મેળવવા અને સત્વરે સારવાર શરુ કરવા ઘર મુલાકાત આધારિત આરોગ્ય સર્વેક્ષણ શરૂ કર્યું હતું. પ્રથમ સાત રાઉન્ડ દરમિયાન સમગ્ર શહેરી વિસ્તારને આવરી લઈને આ કામગીરી કરવામાં આવી.તે પછી આ વ્યૂહરચનાને વધુ અસરકાર અને લક્ષિત બનાવવા છેલ્લા ૩ રાઉન્ડમાં જે વિસ્તારોમાં કોરોનાનું જોખમ વધુ જણાય તે વિસ્તારમાં સઘન ઘર સર્વેક્ષણની નીતિ અમલમાં મૂકી હતી.શુક્રવારના રોજ સર્વેના કુલ ૧૦ રાઉન્ડ પૂરા થયા છે. તા.૧૩થી ૧૬ ઓકટોબર દરમિયાન લક્ષિત સર્વેનો ૧૧મો રાઉન્ડ યોજવામાં આવ્યો છે. આ તમામ તકેદારીઓથી લક્ષ્ણો ધરાવતા દર્દીઓની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ શક્ય બની અને તેમને સમયસર સારવાર આપીને સાજા કરી શકાયા.

કોવિડ મેનેજમેન્ટમાં વડોદરાએ હોમ બેઝડ કોવિડ કેરનો મે મહિનાથી વધુ એક આગવો અને સફળ પ્રયોગ કર્યો અને સપ્ટેમ્બર મહિનાથી વધુ અદ્યતન બનાવી તેનો અમલ કર્યો છે. સપ્ટેમ્બરથી એડવાન્સ હોમ બેજડ કોવિડ કેર હેઠળ જે કોરોના દર્દીઓની ઉંમર ૫૦થી વધુ હોય અને જેઓ લક્ષ્ણોવાળો કોવિડ ધરાવતા હોય અથવા તેમને ડાયાબિટીસ, બીપી જેવી કોરોના વકરાવતી અન્ય બિમારીઓ પણ હોય અને ઘરમાં એક ખંડમાં એકલા રહીને સારવાર મેળવતા હોય તેવા લોકોનું ટેલીફોનીક મોનીટરીંગ શરૂ કરી દિવસમાં બે વાર તેમની તબિયતની ભાળ લેવાનું શરૂ કર્યું હતું. આવા લોકોનું આરોગ્ય કથળતું જણાય તો તુરત જ દવાખાનામાં દાખલ કરીને સારવાર કરવાનો અભિગમ કારગર નીવડ્યો છે અને આવા ૫૦ જેટલા લોકોની જીવન રક્ષા કરી શકાઈ છે.આમ,વડોદરા રાજ્ય સરકારના સહયોગ થી કોવિડ સામે મક્કમ અને સફળ લડત આપી રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here