વડોદરા,તા.૧૯
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી, જેમાં વોર્ડ નં- ૧૬માં કોંગ્રેસ અને ભાજપની રેલી આમને-સામને આવી જતાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ઉપર હુમલો કરતાં સામસામે છૂટાહાથની મારામારી, પથ્થરમારો અને લાકડીઓથી હુમલો થયો હતો. વડોદરા મહાનગરપાલિકાના મિશન-૭૬ની સફળ બનાવવાના ભાગરૂપે આજે ચૂંટણીપ્રચારના પડઘમ સાંજે પાંચ વાગ્યાથી શાંત પડી જશે, એ અગાઉ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી, જેને કારણે ઠેર-ઠેર ચક્કાજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.
વડોદરા શહેરના વોર્ડ નં-૧૬માં કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોએ પ્રચાર રેલી કાઢી હતી, તે વાઘોડિયા રોડ અને ડભોઇ રોડ ઉપર સામસામે આવી જતાં કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી, એ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ પર હુમલો કર્યો હતો, જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાઠીયુદ્ધ, પથ્થરમારો તથા છુટ્ટાહાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચાલતી મારામારી સમયે હાજર રહેલી પોલીસે તેમને છુટ્ટા પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસને પણ તેઓ ગાંઠતા નહોતા, જેથી રાજકીય મોરચે ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે મામલો ગરમાયો હતો. વડોદરા મહાનગરપાલિકાની ૭૬ પર કબજો જમાવવા ભાજપના પ્રચાર માટે આજે છેલ્લા દિવસે સ્ટાર પ્રચારકો તથા પ્રદેશના હોદ્દેદારોએ શહેરમાં ધામા નાખ્યા હતા અને પક્ષને મજબૂત બનાવવા માટે તમામ ૧૯ વોર્ડમાં બાઈક રેલીઓ યોજીને પુરજોશમાં પ્રચાર કર્યો હતો.
આજે સાંજે પાંચ વાગ્યા બાદ આચારસંહિતા લાગુ થવાની હોવાથી તમામ પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં લાઉડ-સ્પીકરનો ધમધમાટ પક્ષોના નારા ગુજવતા કાર્યકર્તાઓએ શહેરને રાજકીય રંગમાં રંગી નાખ્યું હતું. સમગ્ર શહેરમાં રાજકીય પક્ષોની રેલીઓ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાતાં વાહનોના કાફલાએ ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જ્યા હતા.