વડોદરામાં ગરબા-ક્વીનનું ઘરે જ ગરબા રમવાનો શોખ પૂરો કરવાનું આયોજન

0
12
Share
Share

વડોદરા, તા.૧૭

સરકારે ભલે પ્રતિબંધ મૂક્યો, પણ ગુજરાતીઓનું તો ઘરે જ ગરબા રમી શોખ પૂરો કરવાનું પ્લાનિંગ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મૂકનાર કોરોનાની મહામારી વચ્ચે જગતજનની મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાની મહામારી પર અંકુશ મેળવવા માટે ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે વડોદરામાં અનેક શ્રદ્ધાળુઓનાં ઘરમાં માતાજીની સ્થાપના સાથે પરિવારના સભ્યો સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પાંચ ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરામાં ગરબા-ક્વીન તરીકે જાણીતાં મિતાલીબહેન શાહ દ્વારા માતાજીની સ્થાપના કરીને તેમની દીકરી સાથે પોતાના મકાનના હોલમાં સંગીતના સૂર સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરવા સાથે પોતાનો ગરબા રમવાનો શોખ પૂરો કરવાનું આયોજન કરાયું છે. તેમણે પોતાના ઘરના હોલમાં ડેકોરેશન કરીને ગરબાના મેદાનમાં ફેરવી નાખ્યું છે.

ગરબા-ક્વીન મિતાલીબહેન શાહ પોતાના ઘરમાં જ માતાજીની સ્થાપના કરશે

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ભવાની સોસાયટીમાં મિતાલીબહેન શાહ પતિ આશિષ શાહ અને દીકરી શાનવી શાહ સાથે રહે છે. તેઓ વ્યવસાયે ડિઝાઇનર છે અને સાથે ગરબાના ક્લાસ પણ ચલાવે છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી ગરબા-ક્વીન મિતાલીબહેન શાહ પોતાના ઘરમાં જ માતાજીની સ્થાપના કરશે અને પોતાની દીકરી સાથે મ્યુઝિક સિસ્ટમના સથવારે પાંચ ગરબા રમીને પોતાનો ગરબા રમવાનો શોખ પૂરો કરવાનાં છે.

ઘરના હોલમાં જ નવરાત્રિના નવ દિવસ ઘરની મ્યુઝિક સિસ્ટમના સથવારે ગરબા રમશે

મિતાલીબહેન શાહે જણાવ્યું છે, ગરબા મારી જિંદગીનો એક હિસ્સો છે. હું અને મારી દીકરી વર્ષોથી વડોદરાના જાણીતા યુનાઇટેડ વે દ્વારા યોજાતા નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા માટે જતાં હતાં. અમારું ૧૨ યુવતીનું ગ્રુપ છે અને અમે સાથે જ ગરબા રમવા માટે જતા હતા. ગરબા રમવાથી આરોગ્ય પણ સારું રહે છે. આ વખતે કોરોનાના કારણે સરકાર દ્વારા ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મારી દૃષ્ટિએ સરકારનું ગરબા પર પ્રતિબંધ મૂકવાનું યોગ્ય પગલું છે. મને લાગતું હતું કે સરકાર દ્વારા ચોક્કસ વ્યક્તિઓની સંખ્યા સાથે શેરી-ગરબાની છૂટ આપશે. જેથી મેં મારી અને મારી દીકરીની જૂનાં ચણિયા-ચોળીમાં સુધારો-વધારો કરીને લોકડાઉનના સમયમાં જ તૈયાર કરી લીધાં હતાં, પરંતુ શેરી-ગરબાની મંજૂરી પણ ન મળતાં હવે હું અને મારી દીકરી તૈયાર કરેલાં ચણિયા-ચોળી પહેરીને મારા ઘરના હોલમાં જ નવરાત્રિના નવ દિવસ ઘરની મ્યુઝિક સિસ્ટમના સથવારે ગરબા રમીશું અને અમારો શોખ પૂરો કરીશું, સાથે માતાજીને પ્રાર્થના કરીશું કે સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારી ચાલી જાય.

ગરબાનો ઉત્સાહ ઓછો થવો ન જોઇએ, તેમ જણાવતાં ગરબા-ક્વીન મિતાલીબેન શાહે ઉમેર્યું કે આ વખતે કોરોનાની મહામારીના કારણે ગરબા પર પ્રતિબંધ હોવાથી ઘરમાં બેસીને માતાજીની આરાધના કરવાની સોનેરી તક છે. અમે વર્ષોથી ઘરમાં માતાજીની સ્થાપના કરીએ છે. હું નવ દિવસ ઉપવાસ કરું છું અને માતાજી પૂજા-અર્ચના કરું છું. આ વખતે માતાજીની ભક્તિ કરવાનો વધુ સમય મળશે. રાત્રે માતાજીની આરતી કર્યા બાદ હું અને મારી દીકરી પંરપરા મુજબ પાંચ ગરબા રમીશું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મારા ગ્રુપની બે સહેલી પણ ગરબા રમવા માટે આવશે. ગરબાના શોખીનો મારી જેમ પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરીને પાંચ ગરબા રમી પોતાનો ગરબાનો શોખ પૂરો કરી શકે છે.

ઘરમાં બેસીને પણ માતાજીની આરાધના કરી શકાય છે. એ જ રીતે ચૂંટણીને પણ મોકૂફ રાખી શકાતઃ મિતાલીબેન શાહ.

સરકારે ગરબા પર પ્રતિબંધ મૂક્યો એ યોગ્ય પગલું છે, પરંતુ, સરકાર દ્વારા ચૂંટણી યોજવા માટે છૂટ આપી એ યોગ્ય નથી. સોશિયલ મીડિયા દ્વારા મને ખબર પડી છે કે કરજણ પેટાચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરતી સમયે સોશિયલ ડિસ્ટન્સનું કોઇ પાલન કર્યું નથી. માતાજીનાં મંદિરોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું જરૂરી છે. વડોદરામાં એવા અનેક માતાજીનાં મંદિરો છે, જ્યાં નવરાત્રિમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો થતો હોય છે. ત્યારે સરકારે બેવડી નીતિ અપનાવવી ન જોઇએ. દરેક માટે એકસરખો જ નિયમ રાખવો જોઇએ. માતાજીના મંદિરમાં જવાથી જ ભક્તિ થાય તેવું નથી, ઘરમાં બેસીને પણ માતાજીની આરાધના કરી શકાય છે. એ જ રીતે ચૂંટણીને પણ મોકૂફ રાખી શકાય હોત.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here