વડોદરામાં અંધશ્રદ્ધામાં ખાનગી કંપનીના મેનેજરે ૨૧ લાખ ગુમાવ્યા

0
27
Share
Share

વડોદરા,તા.૨૦

વડોદરામાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા એક ઈસમે ધંધો વધારવાની લાલચમાં તાંત્રિકનો સહારો લીધો અને પછી તાંત્રિકે વિધિના બહાને થોડાથોડા કરી ૨૧ લાખ રૂપિયા પડાવી લેતા મેનેજરને પસ્તાવાનો વારો આવ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ શર્મા થોડા સમય અગાઉ ઉજૈન ખાતે દર્શન અર્થે ગયા હતા, જ્યાં એક રીક્ષાવાળા થકી તેમની મુલાકાત રાજેશ શાસ્ત્રી નામના ઈસમ સાથે થઈ હતી.રાજેશ શાસ્ત્રી પોતે તાંત્રિક હોવાથી વિધિના માધ્યમ થકી સમસ્યાનું સમાધાન લાવી આપવાની વાત કરી હતી અને બાદમાં ચમત્કારના નામે લોટ માંથી સિંદૂર બનાવ્યું હતું. સાથેસાથે રૂપિયા ૧૦ની નોટ પર ચાદર મૂકી ૧૧૦ રૂપિયા કરી બતાવ્યા હતા.

જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી જતા વિધિ માટે સંમતિ દર્શાવી હતી. પહેલી જ મુલાકાતમાં તાંત્રિકે ચમત્કાર બતાવતા ફરિયાદી પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન તાંત્રિકે નર્મદા ઘાટ પર પૂજા વિધિ કરાવી અને જીવનમાંથી તમામ સમસ્યા દૂર કરવાનું કહીને નર્મદા નદીમાં ડુબકીઓ મરાવી હતી. બાદમાં ભગવતી સાધના કરવાનું કહી ઉજૈનનો તાંત્રિક ફરિયાદીના ઘરે વડોદરા આવ્યો હતો અને વિધિના બહાને થોડાથોડા કરી ૨૧ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લઈ પલાયન થઈ જતા તાંત્રિક ઠગ હોવાની જાણ થઈ હતી.

ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેને ઠગ તાંત્રિક પાસેથી પોતાના રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ તાંત્રિકે પૈસા પરત આપવાના બદલે તાંત્રિક વિધિ કરી આખા ખાનદાનને ખતમ કરી નાખવાની ધમકી આપતા આખરે સમગ્ર મામલો ગોત્રી પોલીસે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ફરિયાદના આધારે આરોપી રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે ગોપાલ વ્યાસ (તાંત્રિક)ની ઉજૈન ખાતેથી ધરપકડ કરી છે. હાલ આરોપીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે સમગ્ર ગુનામાં સામેલ એક રીક્ષા ચાલક તેમજ અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here