વડગામમાં સીસરાણા-જલોત્રા માર્ગ બીસ્માર, તંત્રના આંખ આડા કાન

0
22
Share
Share

વડગામ,તા.૨૨

વડગામ તાલુકાના સીસરાણાથી જલોત્રા સુધીનો વર્ષો પહેલા બનાવેલો સિંગલ પટ્ટીનો રોડ બીસ્માર હાલતમાં છે. તાલુકાના એમએલએ જિગ્નેશ મેવાણીનું પણ તંત્ર સાંભળતુ નથી. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને પણ અનેક વખત રજૂઆતો કરાયા છતાં સરકાર નિંદ્રાધીન છે. ખેડૂતો-ગ્રામીણો ત્રાહીમામ પોકારી ગયા છે. અરે ગામમાં કોઇ બીમાર થાય તો ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ આવતી નથી. રોડ ઉપરથી પસાર થતા અનેક વાહનચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે.

તેથી ક્યારેક ભયંકર અકસ્માતમાં મોટી જાનહાનિ થશે તો જ તંત્ર જાગશે એવું ગામલોકોનું કહેવું છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક વખત લેખિત ફરિયાદ કરી તેમજ ભાજપના આગેવાન અને પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી ફળજીભાઇ ચૌધરી દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખરાબ રસ્તા મામલે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ તેમજ શાસક ભાજપના નેતાઓ ગુજરાતમાં સર્વાંગી વિકાસની ડંફાસો મારે રાખે છે. ત્યારે વડગામ હજુ દેશનો પછાત તાલુકો હોવાની ચાડી ખાય છે.

અટલ બિહારી હાઇવે પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં પાકા રોડ બની ગયા હોવાનો મોદી સરકાર દાવો કરે છે. પણ અહીંના રોડ જોઇને લાગે છે કે સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. લોકોનું એવું પણ માનવું છે કે અહીંના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી જીતી ગયા. જે ભાજપ સરકારના નેતાઓને પચતું નથી. માટે તેમની ફરિયાદોનો નિકાલ કરવામાં જાણી જોઇને અવગણના કરવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here