લોકડાઉનમાં વધ્યા ઘરકંકાસના કેસો, ત્રણ મહિનામાં આવ્યા ૨૯૧૮૫ ફોન

0
12
Share
Share

ગાંધીનગર,તા.૩૦

કોરોનાની મહામારી વચ્ચે થયેલા લોકડાઉનમાં એક તરફ લોકોની આવક બંધ થઈ ગઈ અને બીજી તરફ ઘરમાં આખો દિવસ રહીને સહનશક્તિ ખૂટી ગઈ હતી. જેને લઈને ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડાનું પ્રમાણ વધ્યુ અને વ્યસનની વધુ લત લાગી ગઈ છે. અભયમની ટીમના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોમાં ઘરેલુ હિંસાની ફરિયાદો ૩૦થી ૩૫ ટકા આવતી હતી જ્યારે લોકડાઉનના ત્રણ મહિનામાં ૪૪ ટકા ફરિયાદો આવી છે. અભયમની ટીમે માહિતી આપી કે ગુજરાતમાં ઘરેલુ હિંસા, પડોશી સાથેના ઝઘડા, વ્યસન, ગૃહત્યાગ, લગ્નસંબંધ વિશે લોકડાઉનના ત્રણ મહિના દરમિયાન ૨૯,૧૮૫ ફોન જ્યારે વડોદરામાં ૨૩૯૪ ફોન આવ્યા હતા.

જેમાં કેટલાંક ફોન રેડ ઝોનમાંથી આવ્યા હોવા છતાં ૪૯૪ લોકોના ઘરે જઈને માર્ગદર્શન પૂરુ પાડયુ હતું. ત્રણ મહિનાના અવલોકન પરથી અમે તારણ કાઢ્યું કે ઘરેલું હિંસામાં ત્રણ કારણો સૌથી વધુ જોવા મળ્યા છે. જેમાં પહેલુ પુરુષો ઘરે રહેવા ટેવાયેલો હોતા નથી, આકસ્મિક મહામારીને કારણે તેઓને આખો દિવસ ઘરમાં પૂરાઈને રહેવું પડયું હતું. જેનાથી બાળક હેરાન કરે છે, આજે પાણી ગરમ થયું નથી, રસોઈ સારી બની નથી તેવી ફરિયાદોને લઈને ઘરેલુ હિંસા વધી હતી. બીજુ જે મહિલાઓ ગૃહિણી હતી તેમને પરિવારના તમામ સભ્ય ઘરે રહેતા હોવાથી કામનું ભારણ વધતા ઝઘડાઓ થતા અને ત્રીજું કામવાળી ન આવતા નોકરી કરતી મહિલાઓને ઘરમાં ફરજિયાત કામ કરવાનું થતા સાસુ-વહુના ઝઘડા વધ્યા છે.

ઘરેલુ હિંસાની ફરિયાદ સૌથી વધુ મધ્યમ વર્ગ અને તેમાં પણ ખાસ કરીને ધો.૧૨ પાસ અને ગ્રેજ્યુએટ થયેલા શિક્ષક, કંપનીમાં કામ કરતા તેમજ નાના-મોટા બિઝનેસ કરતા લોકોની આવી છે. ભણેલા લોકો વચ્ચે ઝઘડાઓનું એટલું પ્રમાણ વધ્યું કે છેલ્લે ડાયવોર્સ સુધી વાત આવી ગઈ હતી જેમાંથી અમે સાત દંપતીઓને ડાયવોર્સ લેતા અટકાવ્યા હતા. અભયમ ટીમે કહ્યું કે લોકડાઉન દરમિયાન લુડો ગેમ અને ટીકટોક વીડિયોને કારણે ઘરેલુ હિંસા થઈ હોય તેવા ચારથી પાંચ કેસ આવ્યા હતા. એક કેસમાં પતિ-પત્ની ઘરે સમય પસાર કરવા માટે લુડો ગેમ રમતા હતા જેમાં પતિ રોજ ગેમ હારી જતો હતો. આખરે એક દિવસ તેની ધીરજ ખૂટી અને પત્નીને એટલો માર માર્યો કે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here