સુરત,તા.૨૧
ચાર મહિના પહેલા થયેલી મારામારીની અદાવત રાખીને પાંચ આરોપીઓએ એક યુવકની જાહેરમાં તલવારનાં ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. મુખ્ય આરોપી ઉમર શેખનાં મોટા ભાઈ પર મોહસીન નામનાં ઇસમે જીવલેણ હુમલો કર્યો હતો. લીંબાયતમાં અસામાજિક તત્વો દ્વારા નાની નાની ગેંગ બનાવીને ગેરકાયદેસર કામોને અંજામ આપી રહ્યા છે. ઉંમર અને તેનો ભાઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા તો સામે મોહસીન પણ તેના માણસો સાથે ચોરી લૂંટ કે દારૂની હેરાફેરી જેવા કૃત્યોમાં સામેલ હતો. બસ આ જ ગેરકાયદે ધંધાની અદાવતમાં મોહસીનએ ઉંમરના ભાઈ પર હુમલો કર્યો હતો.
આ હુમલાની અદાવત રાખીને ઉમર અને સોહેલ સહિત નવ વ્યક્તિઓએ મોહસીનનું ઢીમ ઢાળી દીધું હતું. ૧૧ જાન્યુઆરીના રોજ લીંબાયતમાં જાહેરમાં મોહસીનની તલવાર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. મોહસીનની હત્યા કર્યા બાદ ઉમર અને તેના સાગરીતો ૯ દિવસથી નાસ્તા ફરતા હતા. પોલીસે બાતમીના આધારે ઉમર અને શોએબ સહિત પાંચ આરોપીઓને સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી પડ્યા હતા. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ચાર આરોપીઓ હજી પોલીસ પકદથી દૂર છે પોલીસે તેઓને ઝડપી પાડવા કમરકસી રહી છે.
સુરત શહેરનાં લીંબાયત વિસ્તારમાં આ પ્રકારની ગેંગ વોરની ઘટના સામાન્ય બનતી જાય છે. ઉધના પાંડેસરા સહિત અન્ય વિસ્તારોમાં પણ આવી ગેંગ ગુનાખોરીને અંજામ આપી રહી છે. સુરત પોલોસ ઘટના બન્યા બાદ આરોપીઓને તો પકડી પાડે છે પરંતુ ગુનો બને જ નહીં તે દિશામાં નક્કર કામગીરી કરવામાં હજી સુધી નિષફળ પુરવાર થઇ રહી છે. ગેંગવોર થતા પહેલા તેને ડામી દેવાની દિશામાં કામગીરી કરવાનો સમય હવે પાકી ગયો છે.