ઓફીસમાં જ બાર એસો.ના પ્રમુખના હુમલાથી સન્નાટો : નામચીન શખ્સની શોધખોળ
લીંબડી, તા.૨૮
લીંબડી શહેરના વ્હાઈટ હાઉસ ચોકમાં આજે સમી સાંજે જૂનુ મનદુઃખ રાખી બાર એસો.ના પ્રમુખ અને જાણીતા એડવોકેટ પર તીક્ષ્ણ હથિયારથી હિંસક હુમલો કર્યાની ઘટનાને પગલે વકીલ આલમમાં ઘેરા પડઘા પડ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસે નાસી છૂટેલા હુમલાખોરને ઝડપી લેવા દોડધામ આદરી છે.
વધુ વિગત મુજબ લીંબડી બાર એસો.ના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી બટુકભાઈ પટેલ પોતાની વ્હાઈટ હાઉસ ચોકમાં આવેલી ઓફીસ પર હતા ત્યારે કણબી શેરીમાં નોનવેજની દુકાન ધરાવતા સુફીયાન ઘાંચી નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા દોડી જઈ નાસી છૂટેલા હુમલાખોરને ઝડપી લેવા દોડધામ આદરી છે.
એડવોકેટ બટુકભાઈ પટેલને લોહીલુહાણ હાલતમાં પ્રથમ લીંબડી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ એડવોકેટ અને વેપારીઓને થતા હોસ્પિટલે દોડી ગયા હતા અને હુમલાખોરો સામે કડક હાથે કામગીરી કરવાની માંગણી કરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં એડવોકેટ બટુકભાઈ પટેલે બે માસ પૂર્વે હુમલાખોર સુફયાન ઘાંચીને ભલગામડા ગેટ વિસ્તારમાં કણબી શેરીમાં જાહેરમાં નોનવેજની દુકાન ન ચલાવવા બાબતે ઠપકો આપેલ જેનુ મનદુઃખ રાખી આ હુમલો કર્યાનુ બહાર આવ્યું છે.