ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય સેના પૂર્વીય લદ્દાખમાં જ્યાં સુધી યથાસ્થિતિ ના બની જાય ત્યાં સુધી એલર્ટ ઉપર
નવી દિલ્હી, તા. ૧૩
પૂર્વી લદ્દાખમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને એલએસી પરથી પોતાના ૧૦ હજાર સૈનિકો હટાવી લીધાનો દાવો કર્યો છે. ચીનના હોંગકોંગ શહેરથી પ્રકાશીત સમાચારપત્ર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીની સેનાના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, ભારે ઠંડીની ઋતુમાં યુદ્ધની શક્યતા ઓછી હોવાના કારણે ચીની સેનાએ ભારત સાથે અડીને આવેલી વિવાદાસ્પદ સરહદથી હટાવી લીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સૈનિકોને સૈન્ય વાહનોમાં લઈ જવામાં આવ્યા હતાં જેથી કરીને ભારતીય પક્ષ તેને જોઈ શકે અને તેની પુષ્ટી પણ કરી શકે.
સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે આ સૈનિક થોડા સમય માટે જ શિંજિયાંગ અને તિબ્બેટ ના મિલિટરી ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા હતાં. ભારતીય સૈન્યનું પણ માનવું છે કે, ચીની સૈનિક પાછા આવી ગયા છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે, હજી સુધી તણાવગ્રસ્ત વિસ્તારોમાંથી ચીની સૈનિકો નથી હટાવાયા. અહીં ૫ મે થી તણાવ યથાવત છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચીની સમાચારપત્રએ ૧૦ હજાર સૈનિકોને હટાવવાના દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરવાની કોઈ રીત તો નથી પણ જો તેણે આટલી મોટી સંખ્યામાં સૈનિકો હટાવ્યા હોત તો સેટેલાઈટ તસવીરો કે અન્ય કોમ્યુનિકેશન ઉપકરણોની મદદથી તેની ખાતરી ચોક્કસથી કરાઈ શકી હોત.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ ચીની સૈનિકો પાછા ફર્યા હોય તેવી કોઈ જ તસવીરો સામે આવી નથી. તેમનું કહેવું છે કે, આ ચીની સૈનિકો એ વાતને લઈને ઉત્સાહિત થઈ પાછા ફર્યા છે કે, ચીની સેનાએ અંતિમ પોસ્ટ સુધી ધાતુનો રોડ બનાવી લીધો છે અને એલએસી પર તમામ જગ્યાએ એડવાંસ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવી લીધા છે. ચીન પાસે એટલી ક્ષમતા છે કે, તે માત્ર એક સપ્તાહની અંદર જ પોતાનું આખુ સૈન્ય તૈનાત કરી શકે છે. બીજી બાજુ ભારતીય સેનાના યોજનાકારોના જણાવ્યા પ્રમાણે ચીનના આ ખતરાને ધ્યાનમાં રાખતા જ ઈન્ડિયન આર્મીએ પૂર્વી લદ્દાખમાં જ્યાં સુધી યથાસ્થિતિ ના બની જાય ત્યાં સુધી એલર્ટ રહેશે.
ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, તે ચીની સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા હટાવ્યા બાદ જ પીછેહટ કરશે. ચીની સેનાના અભ્યાસમાં મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે, તેને પોતાના વર્ષિક અભ્યાસ શેદુલા કે શહીદુલ્લા સૈન્ય મથકે કર્યો હતો જે કારાકોરમથી માત્ર ૯૪ કિલોમીટર દૂર છે. કારાકોરમ પાસ ભારતના દૌલત બેગ ઓલ્ડી એરપોર્ટથી ખુબ જ નજીકના અંતરે છે. ૧૯મી સદીમાં ડોગરા જનરલ જોરાવર સિંહે રણનૈતિક રૂપે અતિ મહત્વના એવા આ આખા વિસ્તાર પર જ કબજો જમાવી લીધો હતો.