લગ્નેત્તર સંબંધ વાજબી વહેવાર કે વ્યભિચાર

0
12
Share
Share

પાંચ વર્ષના લગ્નજીવન બાદ અચાનક મલાડના એક એન્જિનીયરની પત્ની માયાના જાણવામાં આવ્યું કે રાતે મોડે સુધી ઘેર આવવાનું કારણ ઓફિસમાં શેઠિયાઓ સાથેની મિટિંગો નહિ પરંતુ ઓફિસની સ્ટેનોગ્રાફર શાલિની સાથેના અનૈતિક લગ્નેતર સંબંધો હતા.આખરે એન્જિનિયરની પોલ પકડાઇ ગઇ પરંતુ એન્જિનિયર સાહેબ રોજેરોજ લૂલો બચાવ કરતાં કહેતા કે આખા દિવસના કામકાજનો રિપોર્ટ ટાઇપ કરાવવા રાતે મોડે સુધી સ્ટેનોની જરૃર તો પડે ને? પરંતુ માયાના ગળે આ વાત ઉતરી નહિ. આખરે પોતાના બે વર્ષના પુત્ર સાથે તેણે સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય લીધો. પરિમામે પાંચ વર્ષના પરિણીત જીવનનો અંત લાવવામાં પતિની બેવફાઇએ ખલનાયકની ભૂમિકા નિભાવી.

મરીન ડ્રાઇવ જેવા વૈભવી વિસ્તારના શ્રીમંત અને ઉદારમતવાદી ખાનદાનની સાવિત્રીએ અમદાવાદની એક ફાર્મસીના માલિક ઉદ્યોગપતિ કીરીટ સાથે ઘરસંસાર માંડયો તો ખરો પરંતુ કામધંધામાં ચોવીસે કલાક રચ્યાપચ્યા રહેતા પતિને પત્નીની લાગણીઓ અને સંવેદનાઓનો લેશમાત્ર ખ્યાલ ન હતો. સાવિત્રી પાર્ટીઓ, સમારંભો, આનંદ વિનોદ અને મોજમજાના વાતાવરણથી ટેવાયેલી હોઇ પતિનો અસહકાર તેને માટે ભારેલા અગ્નિ જેવો પુરવાર થયો.સામેના જ બંગલામાં રહેતા એક કોલેજિયન સાથે મૈત્રી થતાં તેને પોતાની સામાજિક પ્રવૃત્તિઓમાં સોબત આપનારો સાથી મળી ગયો. પરંતુ જતે દહાડે સાવિત્રી અને યુવાન વચ્ચેનો સંબંધ બંનેની સગવડ અને ગરજના પાલનહાર થઇ ગયો. બંને એટલાં જ નિકટ આવી ગયાં કે પતિની અનુપસ્થિતિની અનુભૂતિ હવે સાવિત્રીને સાલવા લાગી નહિ. અંતે બંનેએ એક દિવસ સાવિત્રીના શયનખંડમાં પોતાની અનૈતિક પ્રેમની પરીપૂર્તિ કરી. કીરીટે પત્નીની બેવફાઇના આધારે સાવિત્રીને છુટાછેડા આપી દીધા.સમાજમાં પતિ-પત્ની વચ્ચે બનતા બેવફાઇ, છળ અને દગો દેવાના આ કાંઇ એકલદોકલ બનાવો નથી પરંતુ સમાજના બંધારણમાં અવારનવાર અનેકાનેક કારણોવશાત બનતા અસંતુષ્ટ પરિણીત જીવનનાં પૂરક પ્રેમપ્રકરણો છે. જેમાં પતિ-પત્નીના જીવનમાં વિવિધ પ્રકારની વ્યક્તિઓનો પ્રવેશ થાય છે. અને તે માટે જવાબદાર પણ પતિ-પત્ની જ હોય છે.જ્યાં સુધી સમાજમાં લગ્નજીવનની પ્રણાલિકા અસ્તિત્ત્વ ધરાવતી રહેશે ત્યાં સુધી પતિ-પત્ની વચ્ચે પારકી- પારકાની ભૂમિકા અનિવાર્ય બની રહેવાની જ. પારકી/ પારકાનો પતિ-પત્નીના પરિણીત જીવનમાં પ્રવેશ લગ્નજીવનની પવિત્ર ગ્રંથીને કમજોર બનાવવામાં પ્રધાન અને પ્રથમ કારણ બને છે.

આધુનિક પરંતુ તમોપ્રધાન વાતાવરણમાં લગ્ન પ્રણાલી પણ કાળગ્રસ્ત થતી જાય છે.પતિ અને પત્ની જ્યારે પરસ્ત્રી કે પરપુરૃષ ગમનનો આશરો લે છે ત્યારે તે સંબંધને જનાકારી, વ્યભિચાર રૃપે પરાકાષ્ટાએ પહોંચે છે. વર્તમાન સમયે પરિણિત જીવનમાં પ્રેમ, પવિત્રતા, વિશ્વાસ, સમર્પણ, વફાદારી, ગોપનીયતા અને લાજમર્યાદા જેવા સાત્વિક સદ્ગુણોનું અસ્તિત્ત્વ જોખમમાં મૂકાઇ જવા પામ્યું છે.પુરૃષ અથવા સ્ત્રી પોતાના જીવન દરમિયાન જાતિય સુખની પ્રાપ્તિ માટે ફક્ત એક જ સાથીના સહયોગ, સહચર્ય, સહકાર અને સહશયન માટે અધિકૃત હોય છે. પરંતુ સમય અને સંજોગોના પ્રવાહની પ્રગતિની સાથે સાથે સ્ત્રી- પુરૃષની પ્રકૃતિ અને મનોવૃત્તિમાં કુછંદ અને સ્વચ્છંદનો રંગ લાગવા માંડયો છે.એવું પણ નથી કે જાતિય, સંવેદના અને પ્રકૃતિજન્ય પ્રવૃત્તિઓની પ્રક્રિયાની પરિપૂર્તિ માટે લોકોએ ફાંફા ન માર્યાં હોય એવું પણ નથી. સ્વચ્છંદ, વ્યભિચાર અને અનૈતિક સંબંધોના સાહિત્ય અને ઇતિહાસના મોટા મોટા ગ્રંથો લખાયા છે. વર્તમાન સમયે વ્યભિચારમાં વ્યસ્ત વ્યક્તિઓની સંખ્યામાં અને આવા સંબંધોમાં ઉદારતા અને નિખાલસતાની માત્રામાં પણ ઘણો વધારો થવા પામ્યો છે.મોટેભાગે પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનું પ્રધાન કારણ લગ્નેત્તર સંબંધ અને બેવફાઇ હોય છે. અનૈતિક સંબંધો માટે ઘણા પ્રકારના સ્ત્રી-પુરૃષોનો સમાવેશ થાય છે. જેનો આદાર સ્ત્રી-પુરૃષની, પ્રકૃતિ, વૃત્તિ, પ્રવૃત્તિ, સંજોગ, સામાજિક સ્તર અને સમયના પ્રભાવ ઉપર નિર્ભર હોય છે. ઘણા પુરૃષો આવા સંબંધો સહન કરવા અને ચલાવી લેવા પૂરતા સહિષ્ણુ પણ જોવામાં આવે છે.

લગ્ન સંબંધિત સમસ્યાઓના સલાહકાર મુંબઇ સ્થિત મનોવિજ્ઞાની અને મનોચિકિત્સક જણાવે છે કે આપણા સમાજમાં એ પરંપરા છે કે પતિના વ્યભિચારી જીવનનો પત્ની સ્વીકારી લે છે પરંતુ પત્નીના અનૈતિક સંબંધના અણસારને પણ પતિ ચલાવી લેવા તૈયાર હોતો નથી. ભારતમાં પતિના વલણ, વર્તન અને વ્યવહાર સામે આંગળી પણ ચીંધી શકાતી નથી. તેથી જ ભારતમાં બહુપત્નીત્વની પ્રથા પણ મોભાનું પ્રતીક બની ગઇ હતી.બાદમાં જેમ જેમ સમાજમાં આધુનિક હવાનો સંચાર થયો ત્યાં જ પુરૃષ વર્ગનું અનન્ય ક્ષેત્ર સ્ત્રીઓ માટે પણ મોકળું થઇ ગયું. પ્રગતિવાદના નામે સ્ત્રીઓ પણ સ્વચ્છંદના ચંદે ચઢી ગઇ. પરંતુ હજી પણ સમાજમાં સંયુક્ત પરિવારની પ્રથાને કારણે સ્ત્રીને બહિષ્કાર સામે સંરક્ષણ પૂરૃ પાડવામાં આવતું.પરંતુ સ્ત્રીના આવા અનૈતિક સંબંધો પરિવાર પૂરતા મર્યાદિત રહેતા હોવાથી તેના પ્રચાર ઉપર પ્રતિબંધનો પડદો પડી જતો.

આ બાબતમાં વકીલ અનુરાધા રાજરોગ જણાવે છે કે આવા સંરક્ષણની જોગવાઇનો પરિણામે ઘણા પરિવારોમાં દિયર-ભાભી, સાળા વેલી-નણદોઇ, સાળી- બનેવી જેવા સંબંધોની પરંપરા હજી પણ સમાજમાં અસ્તિત્ત્વ ધરાવે છે.જેમ જેમ સ્ત્રી આર્થિક ક્ષેત્રે પગભર અને સ્વાધીન થવા લાગી તેમ તેમ સમાન સ્તરે લગ્નેતર સંબંધો પણ પાંગરવા લાગ્યા. કારણ કે આવા સંબંધોમાં ભય, બહિષ્કાર, ઘૃણા કે ત્યાગ અને તુચ્છકાર જેવાં ઘટકો નિર્મૂળ થઇ ગયાં. પહેલાં છુપાછુપીથી થતા સંબંધો હવે છડેચોક થવા માંડયા છે. પુરૃષ સમોવડી થયેલી સ્ત્રી હવે તો લગ્નજીવનના લડખડાતા સ્તંભ જેવી થઇ ગઇ છે. તેમ છતાં પ્રણામમાં પુરૃષની પ્રગતિ અને પરંપરા હજીય યથાવત્‌ છે.નારી મુક્તિ અને નારી સ્વાતંત્ર્યના આ જમાનામાં હજી પણ પુરૃષ લગ્નેત્તર સંબંધ દરમિયાન બીજીને બિનધાસ્ત ઘરમાં ઘાલી શકે છે પરંતુ સ્ત્રી બીજાને ઘરમાં ઘાલવામાં સંકોચ અનુભવે છે. પુરૃષ પોતાના વ્યભિચારી વ્યવહારને કાયદેસરતા આપે છે. પરંતુ સ્ત્રી માટે આ છુટ વર્જિત છે. સમાજમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની, રાજ બબ્બર અને સ્મીતા પાટીલ તથા બોની કપૂર અને શ્રીદેવીના જેવાં સેંકડો ઉદાહરણો જોવા મળશે.ઘણા પુરૃષો પોતાની પત્નીની અનુપસ્થિતિમાં એક રાત્રી માટે પરસ્ત્રીગમનની પ્રક્રિયાને જાતિય આક્રમણને અલ્પકાલીન આક્રમણને અલ્પકાલીન આક્રમણમાં ખપાવી દે છે અને પ્રાકૃતિક પ્રલોભનની પરાધીનતા અને પરવશતાનું પરિણામ માને છે.વ્યભિચાર એટલે પત્ની સિવાયની પરસ્ત્રી સાથે જાતિય સમાગમનો સગવડિયો સંસાર. ઘણા લોકો એવી પાંગળી દલીલ પણ કરે છે કે પરસ્ત્રી સાથે સગવડિયો સંબંધ હંમેશાં જાતિય આકર્ષણ અને આસાન ઉપલબ્ધ ઉપર આધારિત હોય છે. આવા સંબંધમાં પ્રેમનો અંશમાત્ર હોતો નથી પરંતુ પરિણામો પત્ની પ્રતિના પ્રેમમાં અંશમાત્ર ઓટ આવતી નથી.આવી વિચારધારાને સ્ત્રી આવકારતી નથી. પુરૃષ માટે સેક્સ ફક્ત શારીરિક સંબંધ પૂરતી મર્યાદિત રહે છે જ્યારે સ્ત્રી માટે પતિ, પ્રેમ, લગ્ન, સેક્સ અને સંસાર એકરૃપ હોય છે. માધુરી ત્રિવેદી નામની ગૃહિણી જણાવે છે કે હું મારા પતિ સિવાય પરપુરૃષો સાથે અનૈતિક સંબંધ ધરાવું છું પરંતુ પરિણામે મારા પતિ અને ઘરગૃહસ્થી પ્રતિની જવાબદારીમાંથી લેશમાત્ર વિમુખ થઇ નથી. પરપુરૃષનું સુંવાળું સેવન ફક્ત મસ્તી અને મોજ પુરતું સિમિત છે. જેમાં શરીર સિવાય મારા જીવનનું અન્ય કોઇ પાસુ સામિલ થવા દેતી નથી.લગ્ન વિષયક સલાહકાર ગીતા વ્યાસ જણાવે છે કે લગ્નેતર અનૈતિક સંબંધોનું મૂળ અને પોષક તત્ત્વોમાં નારી સ્વતંત્રતા અને શહેરીકરણ, આધુનિકતા અને આઝાદીનો સમાવેશ થાય છે. તદ્‌ઉપરાંત વ્યવસાયિક વાતાવરણમાં વિવિધ પ્રકાર અને પ્રકૃતિના પુરૃષો સાથેનો સતત, સહાનુભૂત અને સરાહનીય સંપર્ક પણ પ્રાથમિક કારણ બની શકે છે.ઘણીવાર કામતૃપ્તિ અને ચરમસીમાનો અભાવ સ્ત્રીને પરપુરૃષના બાહુપાશમાં જવા માટે લાચાર બનાવી દે છે. લગ્નેતર સંબંધમાં સહકર્મચારીની ભૂમિકા પણ પ્રોત્સાહક પુરવાર થઇ શકે છે.આધુનિક યુગમાં ભારતીય સ્ત્રીનો સેક્સ પ્રતિનો અભિગમ ઘણો બદલાઇ ગયો છે. મહાનગરોના એક સર્વેક્ષણ અનુસાર ૨૮ ટકા પરિણિત સ્ત્રીએ પરણ્યા પહેલાં સમાગમસુખ ભોગવ્યું હતું અને આમાંની ૧૧ ટકા સ્ત્રીઓએ હજી પણ લગ્નેતર સેક્સ સાચવી, જાળવી અને સંભાળી રાખી છે અને તે પણ પોતાના પુરાના પ્રેમીઓ સાથે.આમ તો બેવફાઇ અને વ્યભિચાર વૃત્તિનું બે વર્ગમાં વિભાજન કરી શકાય છે. (૧) પારસ્પારિક સ્વૈચ્છીક સહમતિથી અને (૨) પટાવીને, ફસાવીને, લલચાવીને, પ્રલોભન આપીને અને ફોસલાવીને સામી વ્યક્તિની અનૈચ્છિક સહમતિથી પહેલી કેટેગરીમાં સ્ત્રી પુરૃષની પારસ્પારિક શારીરિક, માનસિક, સામાજિક અને જાતિય અસંતુષ્ટતાનો સમાવેશ થાય છે જ્યારે બીજી કેટેગરીમાં સ્ત્રીને અથવા પુરૃષને પોતાની ઇચ્છાનુસાર પોતાની કલા, કૌશલ્ય અને કુનેહ દ્વારા પરવશ કરી છેતરામણી મનોવૃત્તિનો લાભ લઇ અલ્પ સમયના સહચર્યનો સમાવેશ થાય છે.તેમ છતાં આખરે વ્યભિચાર એટલે વ્યભિચાર પછી તે કાયમની સ્તરે હોય કે અલ્પકલીન હોય. પણ તે હંમેશા ગુપ્ત રીતે જ આચારવમાં આવે છે. જેમાં ઉદાર, દરિયાદિલ કે પ્રગતિવાદી વિચારધારાને કોઇ અવકાશ હોતો નથી. પરંતુ ઘટસ્ફોટ થતાં બંને વ્યક્તિ ઘણી જ કફોડી અને ગંભીર માનસિક પરિસ્થિતિનો ભોગ થઇ પડે છે.જ્યાં સુધી લગ્નેતર વ્યભિચારને લાગેવળગે છે ત્યાં સુધી પુરૃષની ભ્રમર વૃત્તિ અને સ્ત્રીની તીતલીવૃત્તિ ઘણી સહિયારી લાક્ષણિકતા છે. ઘણીવાર સ્ત્રી અને પુરૃષ બેવફાઇ કે વ્યભિચારનો વ્યવહાર કરતાં પકડાઇ જાય તો કબુલાત કરીને પોતાના વ્યવહારને બદલવાને બદલે જીવનસાથી સામે બદલો લેવાની ભાવનાનો ભોગ બની જાય છે. જે ઉભયના જીવન માટે હાનિકારક અને પ્રતિકુળ પુરવાર થાય છે.

બેવફાઇ અને વ્યભિચારના અસ્તિત્ત્વ, પાલન, પોષણ અને પરિતૃપ્તિ માટે વ્યવસાય પણ જવાબદાર હોય છે. ઘણા વ્યવસાય એટલા તો ગ્લેમરસ હોય છે કે ગ્લેમરસ વિશ્વના ગ્લેમરસ લોકો સાથે જીવનમાં ગ્લેમરને ગુંજતું રાખવામાં ગૌરવની અનુભૂતિ થાય છે. આવું ગ્લેમરસ વિશ્વ પણ આવા ગ્લેમરસ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ગ્લેમરસ ઘડીઓ વિતાવવા માટે ગ્લેમરસ વાતાવરણ અને સાનુકૂળ સંજોગો પણ સહજરૃપે પૂરા પાડે છે.આ ગ્લેમર વિશ્વના ગ્લેમરસ કામ માટે સતત સાનિધ્ય, સહવાસ, સંપર્ક, સહચર્ય અને સહયોગ સ્ત્રી-પુરૃષ માટે આખરી તણખલું પુરવાર થાય છે.

વિશેષરૃપે આવા વ્યવસાયમાં, નાટક, સિનેમા, વિજ્ઞાપન, મોડેલીંગ, હોટલ, જર્નાલીઝમ, એવીએશન અને ટ્રાવેલીંગ- ટુરિઝમનો સમાવેશ થાય છે અને સતત સંપર્ક સમાગમમાં પરિણમે એમાં કાંઇ નવાઇ પામવા જેવું નથી.થિયેટર અને રંગમંચ એક એવો વ્યવસાય છે કે જ્યાં વ્યભિચાર વ્યવસાયિક જીવનનું અનિવાર્ય અંગ બની જાય છે. સતત કરવામાં આવતા સહઅભિનય દ્વારા બંને શારીરિક અને જાતિય સંવેદનાઓના સેવક બની જાય છે અને પરિણામે લગ્નેતર લફરું.દાંપત્ય જીવનમાં સર્વે સ્તરે પ્રતિકૂળ પ્રતિસાદના પરિણામે જાતિય વૃત્તિને વળાંક મળે છે. પરંતુ આવો વ્યભિચાર મર્યાદિત રહે છે. જેમાં સંવેદનાઓ નહિ પરંતુ શરીર સુખનો જ સાક્ષાત્કાર પ્રાથમિક પગલું હોય છે.એક મહિલા મનોવિજ્ઞાનક  જણાવે છે કે વ્યભિચાર લગ્નજીવનના અસંતોષનું કારણ નહિ પરંતુ પરિણામ છે. મહિલાઓમાં ઘણું ઝડપી પરિવર્તન થતું જોવામાં આવી રહ્યું છે. અને આવા પરિવર્તનનો સ્વીકાર કરવા પુરૃષ રજામંદ નથી. ગેરસમજના પરિણામે જ ગેરવર્તન અને દંભી વર્તન દુરાચારને ઉત્તેજન આપે છે. આર્થિક પરાધીનતા અને ભૌતિક સુખનો સન્નિપાત પણ વ્યભિચારના આચરણનું કારણ બની શકે છે.રૃપિયાના રણકારનો અભાવ પણ ઘણાં લગ્નજીવનમાં વિભાજનનું કારણ બને છે. આડોસીપાડોસીઓ કે સગાંસંબંધીઓની જીવનશૈલીથી પ્રભાવિત સ્ત્રી, અદેખાઇ, અસંતોષ અને ઉશ્કેરાટનો ભોગ બની નગદ નારાયણના નવકાર મંત્રના નશાને વશીભૂત થઇ જાયછે. પરપુરૃષ પાસેથી પ્રાપ્ત કરવાની પરાધીનતાથી પ્રભાવિત સ્ત્રી ભૌતિક સુખને ખાતર ઘણો મોંઘો સોદો કરી બેસે છે.સામાજિક અને દાંપત્યજીવનમાં બેવફાઇ અને વ્યભિચારના પ્રવેશના પરિણામે ઘણા અપરાધો થયા હોવાના પ્રસંગો જોવા- સાંભળવામાં આવતા હોય છે. વ્યભિચારી જીવનમાં અવરોધ રૃપ બનતી વ્યક્તિનો કાંટો કાઢવાના કિસ્સાઓ અસંખ્ય પ્રમાણમાં થયા છે, થાય છે અને ભવિષ્યમાં થતા રહેવાના.આર્થિક રીતે નબળા વર્ગના લોકોમાં ઘણીવાર વ્યભિચારને વ્યવસાયનું રૃપ આપી અર્થ ઉપાર્જનનું માધ્યમ પણ બનાવવામાં આવે છે અને તેમાં પુરૃષ વર્ગ સહર્ષ સહભાગી બને છે.વ્યભિચારના વ્યવહારમાં હંમેશા પુરૃષને જ દોષી માનવામાં આવે છે અને તે માટે પુરૃષ પ્રકૃતિને જવાબદાર લેખવામાં આવે છે. પરંતુ આધુનિક સમાજમાં આવેલા પરિવર્તનના પરિણામે મહિલાની મનોવૃત્તિ, વિચારધારા, જીવનશૈલી અને મુક્ત તથા મૌલિક મનોભાવ અને મિજાજમાં આવેલા પરિવર્તન પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવ્યું છે. અનૈતિક સંબંધમાં સંડોવાયેલી સ્ત્રીને અપરાધની અધિષ્ઠાત્રીને બદલે ભાવિનો ભોગ માનવામાં આવે છે. સમાજના ઘણા વર્ગોમાં વ્યભિચાર અને બેવફાઇને પુરૃષનો વિશેષ અધિકાર ગણવામાં આવે છે.હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્ત્રી-પુરૃષના વ્યભિચારી જીવન સાથે તાલમેલ થવાનો શ્રેષ્ઠ માર્ગ, ઉપાય કે ઇલાજ શો છે? કે પછી આને એક અલ્પકાલીન તબક્કો માની પડયું પાનું નીભાવી લેવું? કે પછી  આશાવાદના આશ્રયે જીવન વ્યતિત કરવું?સ્વાભિમાની સ્ત્રી કે પુરૃષે દાંપત્ય જીવનમાં આવા વ્યવહારને પરાધીન થઇ પ્રોત્સાહન ન આપવું જોઇએ. પરંતુ કોઇપણ પ્રકારના પ્રતિકુળ પરિણિત જીવનમાં પરસ્ત્રી કે પરપુરૃષનો અલ્પકાલીન કે કાયમી આશરો અક્ષમ્ય છે. આધુનિક સ્ત્રી-પુરૃષના દાંપત્ય જીવનમાં એકને માટે ઝેર તે બીજાને માટે અમૃત અને એકને માટે અમૃત તે બીજાને માટે ઝેર જેવી લોકોકિતને કોઇ સ્થાન નથી. વર્તમાન સમયે તો ઝેરને ઝેર અને અમૃતને અમૃત જ લેખવામાં આવે છે. પછી તે સ્ત્રી માટે હોય કે પુરૃષ માટે હોય.તેમ છતાં લગ્નજીવનમાં આવાં લગ્નેતર લફરાં અને વ્યભિચારનો પરંપરાગત પ્રવેશ, અનેકાનેક દાંપત્યજીવનના ખંડન અને લગ્નના પવિત્ર સંબંધના ભંજન માટે કારણભૂત બન્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here