ભુજ, તા.૨૭
લખપતના ઘડુલીમાં દારૂના નશામાં ચકચૂર થઈને ગામમાં રખડી રહેલા એક પોલીસ કોન્સ્ટેબલને પોલીસે ઝડપી પાડી નશાબંધી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. બનાવ ગત રાત્રે ૯ વાગ્યાના અરસામાં બહાર આવ્યો હતો. દયાપર પોલીસ મથકના પીએસઆઈને રાત્રે ઘડુલીમાં રહેતી રેખાબા જાડેજા નામની એક મહિલાએ ફોન કરી મદદ માંગી હતી. આ મહિલાએ જણાવ્યું કે ઘરે તેની બે બાળકીઓ સાથે એકલી છે.
એક અજાણ્યો શખ્સ થોડીકવાર પહેલા તેના ઘેર આવ્યો હતો અને પીવા માટે પાણી માંગ્યું હતુ. જો કે, તે ડરી ગઈ હોઈ તેને બીજેથી પાણી પી લેવા જણાવી રવાના કરી દીધો હતો. અજાણ્યા વ્યક્તિથી ફફડતી મહિલાએ મદદ માંગતા દયાપરના ફોજદારે તરત બીટ ઈન્ચાજર્ અને એલઆરડી જવાનને સ્થળ પર તપાસ કરવા મોકલી આપ્યા હતા. તપાસમાં ઘડુલીથી ધારેશી રોડ પર પાણીના ટાંકા પાસે ૩૪ વર્ષનો પીધેલો પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર ગોવિંદભાઈ બલીયા ઝડપાઈ ગયો હતો. નવીન ભૂજ પોલીસ હેડ કવાર્ટરમાં નોકરી કરે છે અને હાલ તે ઘડુલી ચેકપોસ્ટ પર ગાર્ડ તરીકે તૈનાત છે. દયાપર પોલીસે નવીન સામે પ્રોહિબિશન એકટની કલમ ૬૬ (૧) હેઠળ રાત્રે ગુનો નોંઘ્યો હતો.