સુરત તા.૨૫
કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ ૫૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકતરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યૂગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર-ઠેર જાહેર સભાઓ અને રેલીઓ કાઢતા હતા. ત્યારે પાલિકાએ તેમની પાસેથી દંડ વસૂલવાનું યોગ્ય લાગ્યું નહોતું. જ્યારે એકની એક દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું તો પાલિકાએ ભાઈ પાસેથી ૫ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
૨૧મી નવેમ્બરે દીકરીના લગ્ન માટે પિતા દુલાભાઈએ પાલિકા પાસેથી ૧૫૦ મહેમાનોની પરવાનગી લીધી હતી. લગ્નના દિવસે પાલિકાએ ૧૧.૩૦થી ૧૨ વાગ્યાની આસપાસ લગ્નસ્થળે આવી વાડીમાં બેસેલી મહિલાઓના ફોટા પાડી લેવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. લગ્નપ્રસંગે મહિલાઓ ઉત્સાહમાં માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠી હતી. ત્યારે આ મામલે પાલિકાએ કન્યાના પિતા પાસેથી ૫ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, મારી સોસાયટીથી માત્ર દોઢ કિલોમીટર દૂરની વાડીમાં જ આ ઘટના બની છે. મારે એટલું જ કહેવાનું કે રાજકીય લોકોની રેલીમાં હજારો લોકો જોડાય એ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો ત્યારે પોલીસ કે પાલિકાએ કોઈ પણ પ્રકારની કાયદાકીય કે દંડાત્મક કાર્યવાહી કરી નથી. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે કોરોના સમયમાં ધધો-રોજગાર બંધ હોવા છતાં પણ લગ્ન પ્રસંગમાં જે પણ દંડની કાર્યવાહી કરી છે, એ વખોડવાલાયક છે. જો દંડની રકમ પરત નહિ આપે પાલિકા તો પાસ ના કાર્યકર્તાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ એક થઇ જખઈ માટે ભીખ માગી ફાળો ઉઘરાવશે.