રૂપાણી સરકારની નવી ઔદ્યોગિક નીતિ અને રોજગાર સર્જન

0
28
Share
Share

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરાઈ. નવી ઔદ્યોગિક નીતિમાં રાજ્યમાં નવા ઉદ્યોગો માટે જમીન, ઉદ્યોગોને સબસિડી તથા મધ્યમ અને નાના કદના ઉદ્યોગોને અનુલક્ષીને કેટલીક જાહેરાતો કરાઈ છે.રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ નીતિનો ઉદ્દેશ ગુજરાતના ઉદ્યોગોને ફરીથી ઊર્જાવાન બનાવવાનો છે.તેમણે આ નીતિ વિશે આગળ વાત કરતાં કહ્યું હતું,ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત આવનારા સમયમાં રાજ્યમાં વધુ નોકરીઓનું નિર્માણ, ઉત્પાદનવૃદ્ધિ અને ઉદ્યોગો માટે અનુસંધાનપ્રેરિત ઇકૉસિસ્ટમનું નિર્માણ જેવા મુદ્દા કેન્દ્રમાં હશે, જેથી ’આત્મનિર્ભર ગુજરાત’ બનાવવાનો હેતુ પાર પાડી શકાય.
ગુજરાત ઉદ્યોગનીતિ ૨૦૨૦ની જાહેરાતો
ગુજરાતની નવી ઉદ્યોગનીતિ પ્રમાણે મોટા ઉદ્યોગોને મળતા સ્ટેટ જીએસટી વળતરના લાભો રદ કરી તાલુકાની કૅટગરી પ્રમાણે રોકાણ સામે ઓછામાં ઓછા ચાર ટકાથી માંડી મહત્તમ ૧૨ ટકા રોકડ સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પછાત તાલુકામાં વધુ અને વિકસિત તાલુકામાં ઓછી સબસિડી અપાશે. આ કૅશ સબસિડી મહત્તમ ૪૦ કરોડની મર્યાદામાં ૧૦ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
નવા ઉદ્યોગોને પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં માફીની યોજના યથાવત્‌ રાખવાની જાહેરાત કરાઈ છે.
સરકારી જમીન ઉદ્યોગોને ૫૦ વર્ષ સુધીની સમયમર્યાદા માટે ભાડાપટે આપી શકાશે, આ જાહેરાત અંતર્ગત આવી રીતે ભાડે અપાયેલ જમીનના બજારમૂલ્યના ૬ ટકા જેટલું ભાડું વસૂલવામાં આવશે.ગુજરાત સરકારે નવી ઉદ્યોગનીતિ અંતર્ગત કોરોનાની મહામારી અને અન્ય કારણોથી ખાસ કરીને ચીન અને વિશ્વના અન્ય દેશોમાંથી ગુજરાતમાં પોતાના ઉદ્યોગ ખસેડવા માંગતા એકમોને ખાસ સહાય કરવાની જાહેરાત કરી છે.મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ધિરાણના ૨૫ ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે, જેની મહત્તમ મર્યાદા ૩૫ લાખ રૂપિયા હશે.મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નૉલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં સરકાર દ્વારા આ હેતુ માટે થયેલ ખર્ચના ૬૫ ટકા સુધીની સહાય કરવાની જાહેરાત કરી છે. આવી સહાયની મહત્તમ મર્યાદા ૫૦ લાખ રૂપિયા નક્કી કરાઈ છે.સ્ટાર્ટઅપ માટે સીડ કૅપિટલની સહાય ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરી દેવાઈ છે.ખાનગી ડેવલપરોને ખાનગી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માટે મૂડીરોકાણના ૨૫ ટકાની સહાય મહત્તમ ૩૦ કરોડની મર્યાદામાં કરાશે.આ સિવાય નવી નીતિમાં થ્રસ્ટ સૅક્ટરનું કૉર સૅક્ટર અને સનરાઇઝ સૅક્ટર એવાં બે જૂથોમાં વિભાજન કરાયુ છે. જે પૈકી કૉર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઑટોમોટિવ, સિરામિક, ટેક્સટાઇલ, ફાર્મા, ઍગ્રોફૂડ, કેમિકલ વગેરે સામેલ હશે. જ્યારે સનરાઇઝ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો, વૅસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી મટિરિયલ તેમજ સોલર-વિન્ડ ઇક્વિપમેન્ટ સામેલ હશે.નવી નીતિમાં થ્રસ્ટ સૅક્ટરમાં આવતા ઉદ્યોગોને વિશેષ સહાય કરવાની જાહેરાત કરાઈ છે.કામદારોના કૌશલ્યવર્ધન માટે પ્રતિ વ્યક્તિ અને ટ્રેનિંગ કોર્સ દીઠ ૧૫ હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરાઈ છે.અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રાજ્યની નવી નીતિ નવીન રોજગારીસર્જન માટે વધુ અસરકારક નહીં નીવડે તેવો મત વ્યક્ત કરતાં જણાવે છે :કોઈ પણ રાજ્યે રોજગારીસર્જન માટે જાહેરખર્ચ વધારવો પડે, પરંતુ ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આ દિશામાં પૂરતાં પગલાં નથી લેવાયાં. નીતિનિર્ધારણ એ લાંબાગાળાના વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ શકે, પરંતુ હાલના સમય પ્રમાણે અર્થતંત્રની સમસ્યાઓ નીવારવા માટે ટૂંકાગાળાના ઉપાયો પ્રયોજવાની જરૂર છે, જેમાં જાહેરખર્ચ વધારવાની જરૂર છે. જો આવું નહીં કરાય તો આ તમામ નીતિઓ માત્ર કાગળ પર જ રહી જશે.અર્થશાસ્ત્રી પણ માને છે કે રોજગારીસર્જન મુદ્દે હાલની કોરોનાની પરિસ્થિતિને જોતાં ટૂંકા ગાળામાં ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ કારગત નહીં નીવડે.
જોકે, તેઓ આ નીતિ અંગેનો આશાવાદ વ્યક્ત કરતાં કહે છે કે, લાંબાગાળે આ નીતિ નવીન રોજગારીસર્જન ક્ષેત્રે ચોક્કસ અસરકારક સાબિત થશે.આ મુદ્દે વધુ વાત કરતાં તેઓ જણાવે છે કે, હાલ ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહનોની એટલા માટે ઓછી અસર રહેશે, કારણ કે હાલ અર્થતંત્રમાં મોટા ભાગનાં ઉત્પાદનોની વધુ માગ નથી. જો માગ વધે તો જ નવીન રોજગારીસર્જન શક્ય છે. હાલ લોકો માત્ર જીવનજરૂરી વસ્તુઓ ખરીદી રહ્યા છે અને અન્ય વસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે, જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી નવીન રોજગારીસર્જનના મોરચે વધુ સફળતા હાંસલ કરવામાં આ નીતિ સફળ નહીં રહી શકે.હાલ પ્રવર્તી રહેલી આર્થિક સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર પર વધુ જવાબદારી હોવાની વાત કરતાં પ્રોફેસર મોરિસ જણાવે છે કે, હાલની આર્થિક સમસ્યાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય અને પૂરતા ઉપાય કરવામાં આવે તે જરૂરી છે.જ્યાં સુધી કેન્દ્ર સરકાર રાજ્યોને પોતાના જાહેરખર્ચમાં વધારો કરવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી રાજ્યો ખર્ચમાં વધારો કરવાના નથી. હાલ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જીડીપીના ૦.૫ ટકા જેટલો જાહેરખર્ચ કરવાની અને પરવાનગી અપાઈ છે, જો આ પ્રમાણમાં વધારો નહીં કરવામાં આવે તો નવીન રોજગારીસર્જનનો હેતુ ક્યારેય સિદ્ધ નહીં થઈ શકે.જોકે, તેઓ સ્પષ્ટપણે માને છે કે અત્યારની પરિસ્થિતિમાંથી બહાર નીકળી નવીન રોજગારીસર્જન પૂરતા પ્રમાણમાં થાય એ જોવાની વધુ જવાબદારી કેન્દ્ર સરકારના નાણાખાતા અને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની છે.
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ રાજ્યમાં રોજગારનિર્માણ માટે કેટલી અસરકારક નીવડશે?
આ પ્રશ્ન અંગે પોતાનો મત સ્પષ્ટ કરતાં સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટિવ્સનાં ડાયરેક્ટર અને પ્રોફેસર ઇંદિરા હિર્વે જણાવે છે :
આ નવી ઔદ્યોગિક નીતિ રાજ્યમાં નવી રોજગારી પેદા નહીં કરી શકે. કારણ કે હાલ રાજ્યમાં મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોની પરિસ્થિતિ ખરાબ છે. આ સ્થિતિને સુધારવા માટે બજારમાં માગ સર્જાય એ જરૂરી છે. જો બજારમાં પૂરતી માગનું સર્જન નહીં થાય તો ન તો મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોની પરિસ્થિતિ સુધરશે કે ન તો નવી રોજગારીનું નિર્માણ શક્ય બનશે.આ સિવાય તેઓ માને છે કે, નવી ઔદ્યોગિક નીતિમાં ઔદ્યોગિક કામદારોની પરિસ્થિતિ સુધરે એ દિશામાં પણ બિલકુલ ધ્યાન અપાયું નથી.રાજ્ય સરકાર દ્વારા વર્તમાન ઔદ્યોગિક નીતિમાં મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે જાહેર કરાયેલ નાણાકીય સહાય યોજનાઓની અર્થતંત્ર પરની અસર વિશે વાત કરતાં પ્રોફેસર મોરિસ જણાવે છે :મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વધુ ધિરાણ અને સહાય માટેની જોગવાઈ કરવાથી લાંબા ગાળે તેનાં સારાં પરિણામ જરૂર મળી શકશે, પરંતુ ટૂંકા ગાળામાં આ પગલાથી કોઈ ફેર પડવાનો નથી.લાંબા ગાળામાં આ નીતિ ફાયદાકારક સાબિત થાય તે માટે તેમાં કેટલાક મુદ્દા ઉમેરવાની જરૂર છે. આ નીતિ હાલ તબક્કે મેક્રૉઇકૉનોમિક્સના કેટલાક મુદ્દા નથી આવરતી. જેમ કે, લાંબા ગાળામાં વ્યાજદરને ઘટાડવાની જરૂર છે, વિનિમયદરમાં સુધારો લાવવો જોઈએ, ચીન અને અન્ય દેશો સાથેની સ્પર્ધાને લગતા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની દિશામાં કામ થવું જોઈએ.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ગમે તે વસ્તુની આયાત સરળતાથી કરી શકે છે, આ કારણે ગુજરાતમાં મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો પર વધુ દબાણ સર્જાયું છે, જેથી આ ક્ષેત્રના એકમોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિની મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ પર પડનારી અસરો અંગે વાત કરતાં અર્થશાસ્ત્રી જણાવે છે કે, આ માત્ર નીતિ છે, જે એક ચોક્કસ દિશામાં આગળ વધવા માટેનું વિઝન છે, પરંતુ આ વિઝન કેટલું અસરકારક નીવડશે એ હવે પછીના સમયમાં તેના અમલીકરણ અંગેની વ્યવસ્થાઓ અને તેના માટેના સરકારી હુકમો અને ત્યાર બાદ જે રીતે સરકારી તંત્ર તેના અમલીકરણ માટે જે રીતે કાર્યવાન્વિત થાય તેની પર છે.”
પ્રોફેસર હિર્વે જણાવે છે, આ ઔદ્યોગિક નીતિમાં મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે કેટલાંક પ્રોત્સાહનો જરૂર છે, જોકે તેનો લાભ મોટા ભાગે મધ્યમ કદના ઉદ્યોગોને થશે. સાવ નાના ઉદ્યોગોને આ નીતિની જોગવાઈઓથી કોઈ લાભ થવાનો નથી.ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત ઉદ્યોગો માત્ર શહેરોમાં કેન્દ્રિત બનશે કે શહેરથી દૂરના પછાત વિસ્તારોને પણ નવા ઉદ્યોગોની સ્થાપના થકી લાભ મેળવવાની તકો ઊભી થશે?
આ પ્રશ્ન અંગે ડૉ. વ્યાસ જણાવે છે, આ પહેલી વખત ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાઈ હોય એવું નથી.ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી અમદાવાદ જેવાં મોટાં શહેરોની આસપાસ વધુ રોકાણ થયું છે.જોકે, સમયાંતરે મોટાં શહેરોમાંથી નીકળી ઉદ્યોગો અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહેલાંથી પહોંચી ગયા હતા.આમ, ગુજરાતમાં પહેલાંથી જ શહેરો સિવાય આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાય તે માટેનાં પ્રોત્સાહનો જોવા મળતાં હતાં અને આ નીતિમાં પણ આવી જ જોગવાઈ છે.નાના ઉદ્યોગો હંમેશાં ક્લસ્ટરમાં જ ટકી અને વિકાસ સાધી શકતા હોય છે, આ નીતિમાં પણ પછાત તાલુકાઓમાં નવા ઉદ્યોગો શરૂ કરવા માટે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ શરૂ કરવા માટે ઘણી સહાયો અને રાહતો જાહેર કરવામાં આવી છે.આ પગલાથી પછાત તાલુકાઓમાં ક્લસ્ટર ડેવલપમૅન્ટ થકી નવા ઉદ્યોગો સ્થાપવા માટે ઘણ પ્રોત્સાહનો અપાયા છે, જે ચોક્ક્‌સપણે લાભદાયક સાબિત થઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here