રાજ્યની ગ્રા.મા.અને ઉ.મા.સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ફેરફાર

0
24
Share
Share

ગાંધીનગર,તા.૨૦
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ૨ હજાર કરતા વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ્કૂલોને ૬ બિન શૈક્ષણિક કર્મચારીઓ મળતા હતા તેના બદલે હવે ૫ જ મળશે. ૨ હજાર કરતા વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોમાં અગાઉ ૨ સિનિયર ક્લાર્ક મળતા હતા તેમાં ઘટાડો કરી ૧ જ સિનિયર ક્લાર્ક કરી દેવાયો છે. આ ઉપરાંત અન્ય સંખ્યામાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ ૧ ઓગસ્ટ, ૨૦૧૧ના ઠરાવથી નિયત કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ૨૦૧૭માં સંખ્યાબળમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સરકારમાં વિચારણા હેઠળ હતી.
જે અંગે હવે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં સુધારો કર્યો છે. અગાઉ સ્કૂલોને જે સંખ્યાબળ મળતું હતું તેમાં સામાન્ય ફેરફાર થયો છે. અગાઉ મહત્તમ ૬નું સંખ્યા બળ મળતું હતું તેના બદલે હવે મહત્તમ ૫નું જ સંખ્યાબળ મળશે. આમ, બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ઘટાડો કરાયો છે. નવી જોગવાઈ મુજબ ૩૦૦ વિદ્યાર્થી સુધીની સ્કૂલને ૧ જુનિયર ક્લાર્ક મળશે. જ્યારે ૩૦૧થી ૬૦૦ની સંખ્યામાં ૧ જુનિયર ક્લાર્ક અને ૧ સિનિયર ક્લાર્ક, ૬૦૧થી ૧૦૦૦ની સંખ્યામાં ૧ જુનિયર ક્લાર્ક, ૧ સિનિયર ક્લાર્ક, ૧ હેડ ક્લાર્ક મળશે. આ જ રીતે ૧૦૦૧થી ૧૪૦૦ની સંખ્યામાં ૨ જુનિયર ક્લાર્ક, ૧ સિનિયર ક્લાર્ક, ૧ હેડ ક્લાર્ક, ૧૪૦૧થી ૨૦૦૦ની સંખ્યામાં ૨ જુનિયર ક્લાર્ક, ૧ સિનિયર ક્લાર્ક, ૧ હેડ ક્લાર્ક અને ૧ ઓફીસ સુપ્રિટન્ડન્ટ મળશે.
ઉપરાંત ૨૦૦૦ કરતા વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોને પણ ૨ જુનિયર ક્લાર્ક, ૧ સિનિયર ક્લાર્ક, ૧ હેડ ક્લાર્ક અને ૧ ઓફીસ સુપ્રિટન્ડન્ટ મળશે. અગાઉની જોગવાઈ અનુસાર, ૬૦૦ વિદ્યાર્થી સુધીની જોગવાઈમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ૬૦૧થી ૧૦૦૦ની સંખ્યામાં અગાઉ ૨ જુનિયર ક્લાર્ક અને ૧ સિનિયર ક્લાર્ક મળતો હતો, જેન બદલે હવે એક હેડ ક્લાર્ક મળતો થશે. ઉપરાંત ૧૦૦૧થી ૧૪૦૦ની સંખ્યામાં અગાઉ ૨ જુનિયર અને ૨ સિનિયર ક્લાર્ક મળતા હતા, જેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને એક હેડ ક્લાર્કનો ઉમેરો કરાયો છે. ૧૪૦૧થી ૨૦૦૦ની સંખ્યામાં અગાઉ ઓફીસ સુપ્રિટન્ડન્ટ મળતો ન હતો. જોકે નવી જોગવાઈમાં મળતો થશે. જ્યારે ૨ હજાર કરતા વધુની સંખ્યામાં અગાઉ ૨ સિનિયર ક્લાર્ક મળતા હતા તેના બદલે હવે ૧ જ સિનિયર ક્લાર્ક મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here