રાજસ્થાન કોંગ્રેસમાં ફરી બળવો, દલિતોના કામ ન થતા હોવાની રાવ

0
14
Share
Share

ધારાસભ્ય બાબૂલાલ બૈરવાએ બ્રાહ્મણ પ્રધાનો દલિતોનું કામ ન કરતા હોવાનો આક્ષેપ લગાવી રાહુલ પાસે જવાબ માગ્યો : ગુર્જરોના મતથી જીત્યાનો દાવો

જયપુર, તા. ૧૩

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી બળવો શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય બાબુલાલ બૈરવાએ આરોપ લગાવ્યો છે કે સરકારમાં ન તો દલિત ધારાસભ્યોની વાત સાંભળવામાં આવે છે કે ન કર્મચારીઓની કોઈ સુનાવણી થાય છે. બૈરવાએ કહ્યું કે અશોક ગેહલોત સરકારમાં દલિતો કામ નથી થતા. સરકારમાં બેઠેલા બ્રાહ્મણ પ્રધાનો દલિતો માટે કામ કરતા નથી. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યપ્રધાન ગેહલોતની જાતિના માલી મતદારોએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યા નહતા. સચિન પાયલોટની જાતિ ગુર્જરોએ કોંગ્રેસને મત આપ્યા હતા, પાયલોટે પણ મને પણ મત અપાવ્યા તેથી હું તેમનો આદર કરું છું. બૈરવાએ કહ્યું કે ચાર મહિના પહેલા પાયલોટે બળવો કર્યો ત્યારે સરકારને બચાવવા અમે ગેહલોત સાથે હોટલમાં રોકાયા હતા. પાયલોટે મને ગુર્જરના મતો અપાવ્યા, પરંતુ તેમ છતાં હું ગેહલોત સાથે રહ્યો. હું કોંગ્રેસની સરકાર ગબડવા માંગતો નહોતો, તેથી મજબૂરીમાં પાઇલટ સાથે ન ગયો અને ગેહલોત સાથે રહ્યો. તેમણે કહ્યું કે પાયલોટનું મારા પર ખૂબજ મોટું ઋણ છે હું ગુર્જરના મતથી જીત્યો છું, માલિઓએ તો મત પણ આપ્યા નથી. ચોથી વખત ધારાસભ્ય બનેલા બૈરવાએ કહ્યું કે મેં ૬ વખત ચૂંટણી જીતી ચૂકેલા વરિષ્ઠ ધારાસભ્ય પરસરામ મોરડિયા સહિત અન્ય દલિત ધારાસભ્યો સાથે વાત કરી હતી અને બધાએ કહ્યું હતું કે સરકારમાં અમારા કામ થઈ રહ્યા નથી. બૈરવાએ કહ્યું છે કે જ્યારે પણ હું દલિતોના કામ માટે કોઈ કાગળ આપું છું તે કામ નથી થતા. આરોગ્ય વિભાગમાં તાજેતરમાં જ ૪ બદલીઓ અપાઈ હતી, જેમાં એક બ્રાહ્મણ હતી અને ૩ દલિતો હતા. બ્રાહ્મણનું નામ જોઇને તેમની બદલી થઈ, જ્યારે ત્રણેય દલિતોની બદલી થઈ ન હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે ભાજપ દલિતો અને અલ્પસંખ્યકોને માણસ નથી સમજતું, પરંતુ અહીં પણ કોંગ્રેસની સરકારમાં પણ આ સ્થિતિ છે તો શું કહીશું. બૈરવાએ આ સંદર્ભે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. એક વાતચીતમાંચિકિત્સા પ્રધાન ડો. રઘુ શર્મા અને ઊર્જા પ્રધાન ડો..બી.ડી. કલ્લા પર સવાલ ઉઠાવતા, તેમણે કહ્યું કે આ બંને દલિત ધારાસભ્યો અને દલિત કર્મચારીઓ માટે કામ કરતા નથી. તેમણે કહ્યું કે હું ૪૬ વર્ષથી રાજકારણમાં છું, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સાથે જેલમાં ગયો હતો. પરંતુ અમને સરકારમાં પ્રાધાન્યતા મળતી નથી અને બીજી વાર ધારાસભ્ય બનેલા રઘુ શર્માને કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવ્યા. ધારાસભ્ય દ્વારા પોતાની સરકાર પર સવાલ ઉઠાવાતા રાજ્યમાં પાર્ટીમાં આંતરકલહ ફરી એકવાર સામે આવી છે. લગભગ ચાર મહિના પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડની દખલ બાદ સચિન પાયલોટ કેમ્પનો બળવો અટક્યો હતો, પરંતુ હવે ફરી એક વખત વિવાદ વધી શકે છે. તાજેતરમાં સચિન પાયલોટના મીડિયા મેનેજર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને  ત્યારબાદ ફરીથી ગેહલોત અને પાયલોટ વચ્ચેના સંઘર્ષ તરીકે જોવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં બૈરવાએ પાર્ટીના દલિત ધારાસભ્યો સાથે ચર્ચા કરી છે અને દિલ્હી ગયા છે અને હાઈકમાન્ડ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here