રાજસ્થાનને હરાવી હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત બની

0
19
Share
Share

સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યું, મનીષ અને વિજય શંકરની અણનમ અડધી સદી

દુબઈ,તા.૨૩

મનીષ પાંડે અને વિજય શંકરની શાનદાર અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે ગુરૂવારે દુબઈમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટે આસાન વિજય નોંધાવ્યો છે. આ વિજય સાથે હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનના પ્લે ઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની આશા અત્યંત ધૂંધળી બની ગઈ છે. રાજસ્થાન હાલમાં ૧૧ મેચમાં ચાર વિજય સાથે પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ કરતા એક સ્થાન ઉપર સાતમાં ક્રમે છે. જ્યારે હૈદરાબાદ ૧૦ મેચમાં ચાર વિજય સાથે પાંચમાં ક્રમે છે. રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદ સામે ૧૫૫ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ખરાબ શરૂઆત બાદ મનીષ પાંડે અને વિજય શંકરની ધમાકેદાર બેટિંગની મદદથી હૈદરાબાદે ૧૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ ૧૪૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવીને હૈદરાબાદનો વિજય એકમદ આસાન બનાવી દીધો હતો. અગાઉ રાજસ્થાને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૪ રનનો લક્ષ્યાંક નોંધાવ્યો હતો. ૧૫૫ રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ૧૬ રનમાં ટીમે બંને ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની વિકેટો ગુમાવી દીધી હતી. વોર્નર ચાર અને બેરસ્ટોએ ૧૦ રન નોંધાવ્યા હતા. જોકે, ત્યારબાદ મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ રાજસ્થાન રોયલ્સના બોલર્સને કોઈ તક આપી ન હતી. તેમણે રાજસ્થાનના બોલર્સની ધોલાઈ કરી હતી અને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. મનીષ પાંડેએ ૪૭ બોલમાં અણનમ ૮૩ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને આઠ સિક્સર્સ સામેલ હતી. જ્યારે શંકરે ૫૧ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૫૨ રનન અણનમ ઈનિંગ્સ રમી હતી. રાજસ્થાન માટે બંને વિકેટ જોફ્રા આર્ચરે ઝડપી હતી. અગાઉ બેન સ્ટોક્સ અને સંજૂ સેમસનની મહત્વની ઈનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો સ્કોર ૩૦ રનનો હતો ત્યારે રોબિન ઉથપ્પા રન આઉટ થઈ ગયો હતો. ઉથપ્પાએ ૧૩ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૯ રન નોંધાવ્યા હતા. જોકે બાદમાં બેન સ્ટોક્સ અને સંજૂ સેમસને બાજી સંભાળી હતી અને મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ જોડીએ ૫૬ રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટોક્સે ૩૨ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૩૦ રન નોંધાવ્યા હતા જ્યારે સેમસને ૨૬ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જોકે, જોસ બટલર નિષ્ફળ રહ્યો હતો અને નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કેપ્ટન સ્ટિવ સ્મિથ અને રિયાન પરાગે પણ મહત્વની ઈનિંગ્સ રમી હતી. સ્મિથે ૧૫ બોલમાં ૧૯ રન નોંધાવ્યા હતા જ્યારે પરાગે ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત જોફ્રા આર્ચરે સાત ઓવરમાં અણનમ ૧૬ રન નોંધાવ્યા હતા. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે ત્રણ તથા વિજય શંકર અને રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here