રાજકોટ તા. ર૯
સોની બજારમાં ધંધાના સ્થળે આવી હેરાનગતી કરાતી હોવાના આક્ષેપ સાથે સુવર્ણકારોએ આજે પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. જિલ્લા સુવર્ણકાર સમાજના પુનિતાબેન પારેખ સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારા ધંધાની જગ્યાએ, ધંધાની પ્રીમાઇસીસમાં અવારનવાર પોલીસ કર્મચારી, કર્મચારીઓ કોઇપણ પ્રકારના ગુનાના કામ વિના, એફઆઇઆર વિના તેમજ સર્ચ વોરંટ વિના જ આવી ચઢે છે અને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરે છે. અમારા હિસાબો રેકર્ડને અમારા મહેતાજી વેરીફાઇ કરીને બુકસ ઓફ એકાઉન્ટમાં ચઢાવતા હોય તેમજ કસ્ટમર્સને બીલ પણ આપતા હોઇએ છીએ. આ સીસ્ટમ વર્ષોથી ચાલતી આવે છે કાયદેસરની કાર્યવાહી હોય છે તેમ છતાં પોલીસ દ્વારા આવી હેરાન પરેશાન કરવામાં આવે છે પેઢીમાં આવતા સાથે જ મોબાઇલ, લેપટોપ, હિસાબ કિતાબો કોઇ જ એફઆઇઆર કે કાયદેસરની કાર્યવાહી વિના જ ઝુંટવી લઇ હિસાબો ચેક કરે છે. એમસીએકસના સોદા કરવાના ખોટા આરોપો અમારા પર કરીને પૈસાનો તોડ કરે છે. આ બાબતનો વિરોધ કરીએ તો ખોટા કેસમાં ફીટ કરી આપવાની ધમકીઓ આપે છે. અનેકો વખતની રજૂઆત વિનંતી છતાં પણ અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા આવી હેરાન પરેશાન કરવામાં આવે છે જેના કારણે સામાન્ય પ્રજાજનો અને વેપારીઓમાં આક્રોશ છે. વેપારી એમસીએકસના મેમ્બર હોય તે વેપાર કરે છે. કોઇપણ વ્યક્તિ એમસીએકસના ડબ્બા ચલાવતા હોય તો સેબીના કર્મચારીઓ કાયદેસર પગલા લઇ શકે છે. અમારા સુવર્ણકારોને (વેપારી ચાંદી-સોનાનો હોવાના કારણે અમારી મોટાભાગની દુકાનોમાં ટીવી હોય છે. ટીવીની અંદર સોના-ચાંદીના ભાવ આવતા હોય છે. છેલ્લા ઘણા સમય થયા પોલીસ ખાતુ અમારી દુકાનોની અંદર આવી તમે એમસીએકસ ચલાવો છો એવી ધમકી આપી અમારા મોબાઇલ, રૂપિયા, અમારુ સોનું, ચાંદી, ટીવી, લેપટોપ જપ્ત કરે છે અને લાખો રૂપિયાની માગણી કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. આવી પ્રવૃત્તિને કારણે વેપારી ડરી જાય છે અને અમો સાથે બિઝનેસ કરતા નથી અને ધંધામાં ખોટ જાય છે. અમારા ધંધામાં મસમોટી ટેકસની રકમ ચુકવતા આવીએ છીએ તેમ છતાં અમો વેપારી સાથે અન્યાય થાય છે. આ મુદ્દે પોલીસ કમિશનરે આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.