રાજકોટ,તા.૨૩
ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ૫૭૬ બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપ ફરીથી કબ્જો જમાવવા જઈ રહી છે. રાજકોટમાં પણ કોંગ્રેસનું અત્યાર સુધીનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. જેને પગલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી પોતાનું રાજીનામું આપી દીધુ છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પાર્ટીની હાર સ્વીકારતા જણાવ્યું છે કે, પ્રજાનો ચુકાદો માથે ચઢાવું છે.
આ સાથે જ તેમણે વહીવટી તંત્રના દુરુપયોગનો આક્ષેપ કરવા સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની ૭૨ બેઠકો પર ગત રવિવારે ૫૦.૭૫ ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના ૧૮ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના ૨૯૩ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતુ. જેની આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં બેઠકોનો ટ્રેન્ડ જોઈએ તો, ૫૬ બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. ૧૪ વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ છે.
રાજકોટમાં વોર્ડ નંબર ૧, ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૩ અને ૧૬માં ભાજપની પેનલ જીતી ગઈ છે. ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યું છે. જેમાં રાજકોટમાં ૨૦૦૫થી ભાજપનો કબ્જો છે. રાજકોટમાં વોર્ડ નંબર ૧૬માં ભાજપના રૂચીતાબેન જોશીને ૮૬૦૦ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને ૮૫૮૯ મત મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર ૧૧ મતે વિજય થયો હતો.