રાજકોટ તા. ૧૩
રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે રેલનગરના સંતોષીનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી ૫૬ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. રાજકોટ ટીપી સ્કમ નં.૧૯ના ૨૪ મીટરના ટીપી રોડ પર ગેરકાયદેસર બાંધકામ કરી બનાવાયેલું એક મંદિર, ૧૬ દુકાનો અને ૩૯ મકાનોના બાંધકામોનો દબાણરૂપ હિસ્સો દૂર કરાયો હતો. અમુક બાંધકામો પૂર્ણ, અમુક અડધા અને અમુક અંશતઃ તોડી પડાયા હતા. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ વેળાએ લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. વિશેષમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ મેગા ડિમોલિશનની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશથી રેલનગરના સંતોષીનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૧૯ રાજકોટ અને ટીપી સ્કિમ નં.૨૩ રાજકોટ જે સરકાર દ્વારા પ્રારંભિક મંજૂર કરાયેલ છે તે પૈકીનો રેલનગર વિસ્તારમાં પાણીના ટાંકા/ફાયરબ્રિગેડ પાસે આવેલ સંતોષીનગર વિસ્તારમાંથી પસાર થતાં અને મોરબી રોડને જોડતા ૨૪ મીટરના ટીપી રોડ પર આવેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે કાર્યવાહી કરાઈ હતી જેમાં રોડની લાઈનદોરીમાં આવતું એક મંદિર, ૧૬ દુકાનો અને ૩૯ મકાન સહિતના બાંધકામોના દબાર દૂર કરાયા હતા અને રસ્તા પૈકીની ૧૧૦૭ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
માલીયાસણ-કુવાડવા-તરઘડીયામાં ૩૦ એકર જમીનમાંથી દબાણો હટાવતા પ્રાંત અધિકારી
રાજકોટ શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ટચ કુવાડવા, માલયાસણ તરઘડીયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા વ્યાપક દબાણો આજે જિલ્લા કલેકટર રમ્યા મોહન ની સુચના મુજબ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તોડી પડાયા હતા અને ૨૪ કરોડની કિંમતની ૩૦ એકર જેટલી સરકારી ખરાબાની જમીન ખુલ્લી કરાવી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ મામલતદાર કે.એમ કથીરિયા સર્કલ ઓફિસર દેકાવાડીયા, તલાટીઆ હાંસલીયા, પુરોહિત, પવનભાઇ અને ઝાલા સહિતની ટીમ માલીયાસણ, કુવાડવા અને તરઘડિયામાં ત્રાટકી હતી અને સરવે નંબર ૩૩૩, ૩૦૯, ૫૫૭ માં ઠાકર હોટલ પંજાબ હરિયાણા ટેમ્પો ચામુંડા હોટલ ચાંદની હોટલ અને બાયોડીઝલ, શ્રી હરિ કૃપા પેટ્રોલિયમ યદુનંદન બાયોડીઝલ ગોહાટી ગુજરાત રોડવેઝ સૂર્યદીપ હોટલ ગાત્રાડ ટી સ્ટોલ જય દ્વારકાધીશ ટી સ્ટોલ અને પાન મારુતિ એન્ટરપ્રાઇઝ અન્ય કેબીનો છાપરાઓ વગેરેનું બાંધકામ તોડી પાડી ૩૦ એકર જમીન ખુલ્લી કરાવી હતી. દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણો તોડી પાડવા માટે નોટિસ આપવામાં .આવી હતી પરંતુ તેનો અમલ ન થતા આજે પ્રાંત અધિકારી અને મામલતદાર બુલડોઝર સાથે ત્રાટક્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટયા હતા પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ હતી.