રાજકોટ,તા.૨૩
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ભવ્ય વિજય સાથે વિજેતા ઉમેદવારો અને તેના સમર્થકો અલગ અલગ પ્રકારે વિજય ઉત્સવ માનવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકો ક્યાંક ઘોડે ચડી ને સરઘસ કાઢી રહ્યા છે તો ક્યાંક ખુલ્લી જીપમાં સવાર થઈ ને ઉજવણી કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં સ્પષ્ટ રીતે ભાજપ વિજયી થયું છે અને મનપા પર ભાજપનો ભગવો અકબંધ રહ્યો છે.
જ્યાં રાજકોટ ભાજપના યુવા નગરસેવક બનેલા વૉર્ડ નં- ૧ ના ભાજપના વિજેતા ઉમેદવાર હિરેન ખીમણિયા ઘોડા ઉપર સવાર થયા હતા. તો તેને પ્રતિસ્પર્ધા આપવા કોંગ્રેસના વોર્ડ નં-૧૫ના વિજેતાઓની પેનલ ખુલ્લી જીપમાં તથા કાર્યકરોના ખંભા ઉપર સવાર થયેલા જોવા મળ્યા હતા. બન્ને પક્ષના કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં. મતગણતરી સ્થળ બહાર જ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. જેનાથી પ્રજા ત્રસ્ત થઈ હતી, ૮૦ % રાજકોટમાં ભાપજે વિજય સરઘસ કાઢીને ટ્રાફિક જામ કર્યો હતો તો ૨૦ % રાજકોટમાં વોર્ડ નં-૧૫ના વિજેતા થયેલા કોંગી કાર્યકર્તાઓએ સમગ્ર વોર્ડને અબીલ ગુલાલથી ભરી દીધો હતો.
કોરોના સંક્રમણ ચૂંટણી પછી વધી રહ્યું હોવા છતાં તમામ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ મતગણતરીના સ્થળ પર અને વિજયોત્સવ દરમિયાન માસ્ક વગર જોવા મળ્યા હતાં.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને બન્ને પક્ષના કાર્યકરોએ અને ઉમદવારોએ ફોટો સેશન પણ કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન નેતાઓ અને કાર્યકર્તાઓ કોવિડ ગાઇડલાઈન્સનો ઉલાળિયો કરી કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.