રાજકોટ તા. ૩૦
રાજકોટ શહેરના તમામ નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવે છે કે સરકારના રાષ્ટ્રીય પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૩૧- ૦૧-૨૦૨૧ થી પોલીયોના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવવામાં આવશે. બાળકોને પોલીયોના ટીપા પીવડાવી સુરક્ષિત બનાવો અને પોલીયોથી બચાવો. બાળક બીમાર હોય તો પણ ટીપાં પીવડાવી શકાય છે અને અગાઉ પોલીયોના ટીપાં પીવડાવેલ હોય તો પણ ટીપાં પીવડાવી શકાય. આ રાષ્ટ્રીય પોલીયો રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં અલગ અલગ કુલ ૬૪૮ સ્થળોએ બુથ રાખવામાં આવશે તેમજ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ૭૧૧ ટીમો દ્વારા પોલીયો રસીકરણની કામગીરી કરવામા આવશે. આવતીકાલે વહેલી સવારથી શહેરના ૧૮ વોર્ડમાં નકકી કરવામાં આવેલ બુથ ઉપર પોલીયો રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. દરેક બુથ ઉપર અરજદારો માટે મંડપ તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી સમયસર બાળકોને પોલીયો રસીકરણ કરાવી લેવાની સૂચના આપવામાં આવી છે. કાલે રાષ્ટ્રીય પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ૬૪૮ સ્થળોએ બુથ બનાવી ૦થી ૫ વર્ષના બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ હાલમાં મહામારી તળીયે છે છતાં શહેરીજનોએ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની, સાબુથી વારંવાર હાથ ધોવાની તેમજ માસ્ક ફરજીયાત પહેરવાની અને ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા સહિતની સૂચના આપવામાં આવી છે